રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ગાયકવાડી શાસન દરમિયાન ડભોઇ નેરોગેજ એ એશિયાનું સૌથી મોટું જંકશન ગણાતું હતું. એ આકર્ષક હેરીટેજ ગાયકવાડી રેલ્વે સ્ટેશનનું ૧૫૦ વર્ષ જૂનુ બિલ્ડીંગ રેલ્વે સત્તાવાળાઓએ જે.સી.બી.મશીનની મદદથી તોડી પાડ્યું હતું. તે સાથે જ ગાયકવાડ સરકારનું સંભારણું ભુલાયું હતું. જો કે તોડી પડાયેલ જૂના રેલ્વે સ્ટેશનની પાછળ નવુ બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલ હોય તમામ ઓફિસ તેમા ખસેડાઇ હતી.ગાયકવાડી બિલ્ડિંગ તોડી પડાતાં લોકો જોવા ઉમટી પડ્યા હતાં.ડભોઇ નેરોગેજ રેલ્વે સ્ટેશન એક સમયે એશિયા ખંડનું સૌથી મોટુ રેલ્વે સ્ટેશન હતું. ડભોઇથી મિયાગામ-કરજણ, ડભોઇથી વડોદરા, ડભોઇથી ચાણોદ, ડભોઇથી નસવાડી-તણખલા, ડભોઇથી વાઘોડીયા-ટીંબા, ડભોઇથી છોટાઉદેપુરની ૧૮ સમય રેલ્વે ગાડીઓ ચાલતી હોય ૨૪ કલાક રેલ્વે સ્ટેશન ધમધમતુ હોવાથી વિકાસની સાથે જુદા જ પ્રકારની રોનક હતી.વરસાદી પૂરમાં નદીઓના બ્રિજ તૂટી પડવા સાથે રેલ્વે લાઇનને નુકસાન તેમજ નેરોગેજ રેલ્વે સમયની થપાટો સાથે મૃત થવા પામતા નેરોગેજ જંક્શન સુમસામ થવા પામ્યું હતું. સમય જતા છોટાઉદેપુર સાંસદ નારણભાઇ રાઠવા રેલ રાજ્યમંત્રી બનતા ફરી ડભોઇ રેલ્વે જંક્શનની રોનક પાછી આવશેની આશા બંધાઇ હતી. રેલ રાજ્યમંત્રી નારણભાઇ રાઠવાએ નેરોગેજ લાઇનમાંથી બ્રોડગેજમાં રૂપાંતરીત કરાવી વડોદરાથી ડભોઇ-છોટાઉદેપુર-અલીરાજપુર બ્રોડગેજ શરૂ કરાવતા પંથકની પ્રજામાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. એ સાથે ડભોઇના ઐતિહાસિક વારસા સમા ગાયકવાડી રેલ્વે બિલ્ડીંગને યથાવત રાખી પ્લેટફાર્મ લંબાવવા સાથે ઘણા સુધારા પણ કરાયા હતા. ત્યારે હવે એથી આગળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે બ્રોડગેજ લાઇન, ડભોઇથી કરજણની લાઇન, વડોદરાથી અલીરાજપુર સુધી હતી. તે આગળ ધાર સુધી લંબાવવા કામની પ્રગતિ સાથે ઇલેક્ટ્રીક લાઇન શરૂ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એ સાથે કેટલાક સુધારા કરી હેરીટેજ ગાયકવાડી રેલ્વે બિલ્ડીંગને તોડી પાડી નવીન બિલ્ડીંગ પણ તૈયાર કરાયું હોય લોકચર્ચા મુજબ ડભોઇથી મુંબઇ, ડભોઇથી દીલ્હી, ડભોઇથી મહાનામા સુધી 7 એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. જ્યારે કેટલીક માલગાડીઓને પણ વાયા ડભોઇનો રૂટ અપાશે. જેથી ફરી વિકાસની સાથે ડભોઇ રેલ્વે જંકશન નવા સાજધાજ સાથે 24 કલાક ધમધમતુ થશેનું કહેવાય રહ્યું છે. રેલ્વે સ્ટેશન પર આવેલો ઓવરબ્રિજ પણ હટાવાશે. ડભોઇ રેલ્વે સ્ટેશનની IRPF ઓફિસ પાસેથી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર અવર જવર માટે ખુબજ મજબૂત અને આકર્ષક ગાયકવાડી ઓવરબ્રિજ આવેલ છે. હાલમાં બ્રોડગેજ લાઇનને ઇલેક્ટ્રીકમાં પરિવર્તિત કરવાનું પણ કામ ચાલતુ હોય ઓવરબ્રિજ પણ હટાવી દઇ પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે અંડરગ્રાઉન્ડ રસ્તો તૈયાર કરાઇ રહ્યો છે.