રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
પોલીસ કહે છે કે, રાત્રીના સમયે શાંતિ સ્થપાય તે માટે તમામ લોકોને શાંતિથી સમજાવીને ઘરે મોકલ્યા હતા
કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર તકેદારી રાખી રહી છે અને ચોક્કસ નીતિ નિયમ મુજબ વેપાર-ધંધા કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ, હજી પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં આ નિયમોની અવગણના કરી મોડી રાત સુધી લારી-ગલ્લા ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે. રાવપુરા પોલીસનો કાફલો ન્યાય મંદિર વિસ્તાર ફરતે આવેલા લારી ગલ્લા બંધ કરવા ગયો હતો, તે દરમિયાન દૂધવાલા મહોલ્લાના રહીશોએ પોલીસ કામગીરી સામે અવરોધ ઊભો કર્યો હતો અને આ જગ્યા પર અડિંગો જમાવતા અસામાજિક તત્વો પોલીસની કામગીરી સામે પડકાર ફેંક્યો હતો. બનાવના પગલે પોલીસે કાર્યવાહી કરતા ૨૦૦ લોકોના ટોળામાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ વિસ્તારની મહિલાઓએ પોલીસ સામે માર માર્યાના આક્ષેપો કર્યાં હતા.
પોલીસ કામગીરીમાં સાથ સહકાર ન આપીને લોકોએ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું વડોદરા શહેરના ન્યાય મંદિર, મચ્છીપીઠ, યાકુતપુરા અને રેલવે સ્ટેશન સહિતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી ખાણીપીણીની લારીઓ પર અસામાજિક તત્વો અડ્ડો જમાવે છે. કાયદા મુજબ રાત્રે ૧૧ વાગ્યા પછી પોલીસ લારી ગલ્લા બંધ કરાવતી હોય છે, ગુરૂવારે ન્યાય મંદિર ફરતે પોલીસ ધમધમતા લારી ગલ્લા બંધ કરવા ગઇ હતી, ત્યારે પોલીસ કામગીરીમાં સાથ સહકાર ન આપીને ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું હતું. બનાવના પગલે પોલીસે કાર્યવાહી કરતા ભાગદોડ થઇ હતી, તો બીજી તરફ વિસ્તારની મહિલાઓએ પોલીસ સામે માર માર્યાના આક્ષેપો કર્યા હતા.