રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાતના આદિવાસીઓએ વિશ્વ આદિવાસી અધિકાર દિવસે કર્યો સરકારને ઘેરવાનો પ્રયાસ
હાલની સ્થિતિ મુજબ ગુજરાત સહિત દેશના આદીવાસી વિસ્તારોમા સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરાઈ રહી છે.તો વિકાસની આડમાં સરકાર આદિવાસીઓના મૂળભૂત હકો છીનવી રહી છે,આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી છે આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે સહિત અનેક આક્ષેપો જે તે વિસ્તારના આદિવાસીઓએ સરકાર પર લગાવ્યા છે.ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં સ્થાનિક આદીવાસીઓના ધંધા રોજગાર માટેના લારી-ગલ્લાઓ તંત્રએ હટાવી લેતા વિવાદ વધુ વકર્યો હતો.૧૪ માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ઉમરગામથી અંબાજી સુધી ના ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓએ પોતાના મૂળભૂત અધિકારો મેળવવા સરકાર વિરુદ્ધ રણસિંગુ ફૂંકયું હતું.
ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક અને આદીવાસી ટાઇગર સેનાના અધ્યક્ષ ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતની પુર્વપટ્ટીમા ૧ કરોડથી વધુ આદિવાસીઓ માટે ગુજરાત સરકારની યોજનાઓ ખતરાની ઘંટી સમાન છે.ગુજરાત સરકાર વિકાસ માટે નહીં પરંતુ વિનાશ માટે આદિવાસી વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ લાવી રહી છે.જેથી ભારતીય બંધારણમા આપેલા આદિવાસીઓના અધિકારોનું ચીરહરણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.આદિવાસીઓને સામાજિક-શૈક્ષણિક-આર્થિક- રાજનૈતિક રીતે પછાત રાખવાના ગુજરાત સરકારના મહાષડયંત્રોની ગંધ આવી રહી છે. જેવી રીતે ગુજરાત સરકારે કોવિડ -19 અને લોકડાઉનનો ફાયદો ઉઠાવી કેવડિયા વિસ્તારના આદિવાસીઓને રંજાડ્યાં છે તે જખ્મો કદી ભુલી શકાય તેમ નથી.કેવડિયા બચાવો આંદોલન આજે ગુજરાતના ખૂણેખૂણે પ્રસરી ચુક્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનીટીના વિકાસ પ્રોજેક્ટની સાથે ગુજરાતમા આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ભારતમાલા, નર્મદા તાપી પાર લીંક યોજના, બુલેટ ટ્રેન, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, વન અધિકાર, જેવાં આદિવાસી પડકારો તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અને આદિવાસી અધિકારો માટે ગુજરાતનો દરેક નાગરીક સજાગ બને અને અવાજ ઉઠાવે તેમાટે સામાજિક ક્રાન્તિની શરૂઆત થઈ ચુકી છે.ગુજરાત સરકારની આદિવાસી વિરોધી નિતીનો વિરોધ આખી પુર્વપટ્ટીમા થાય તોજ સરકારના પેટનું પાણી હલે.આદિવાસી ઓના બંધારણીય અધિકારો માટે આખો સમાજ એક મંચ પર આવી લડશે તેની ઝાંખી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે.