રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
મહેસૂલી વિભાગના અધિકારીઓ અને ઓફિસર્સ કલબ દ્વારા આનંદ પટેલને અપાઈ ભાવભીની વિદાય
નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીનું અધિકારીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.
પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આનંદ પટેલે પોતાના ત્રણ વર્ષથી વધુ સમયના પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન લોકભિમુખ વહિવટ થકી લોકચાહના મેળવી હતી.
નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમારે આનંદ પટેલને શ્રીફળ અને સાકાર અર્પણ કરી સાલ દ્વારા સન્માન કર્યું હતું અને નવા નિમાયેલ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિદાય લઈ રહેલા કલેક્ટર આનંદ પટેલે પાટણ જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમનો આ સમયગાળો તેમને જીવનભર યાદ રહેશે. પાટણ જિલ્લાના નાગરિકોએ તેમને સતત સહયોગ આપ્યો એ માટે આભાર વ્યક્ત કર્યો હતો. એમણે એ પણ જણાવ્યું કે તેમને આ ગાળા દરમિયાન પૂર, અછત અને કોરોના મહામારી જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ, જિલ્લા વહીવટી તંત્રના કર્મઠ કર્મચારીઓની નિષ્ઠા અને પ્રજાના સહયોગ થકી આ બધામાંથી પાટણ જિલ્લો સારી રીતે બહાર નિકળી શક્યો. પાટણના પાડોશી જિલ્લા બનાસકાંઠામાં જ બદલી થતા મા અંબેના આશીર્વાદથી ત્યા લોકસેવા કરવાની તક મળી છે એ વાતનો એમને હર્ષ વ્યક્ત કર્યો હતો. આનંદ પટેલે પાટણ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભળનાર સુપ્રીતસિંઘ ગુલાટીને અભિનંદન પાઠવ્યા હતા સુપ્રીતસિંઘ ગુલાટીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની વહીવટી ટીમ ખૂબ જ કાર્યક્ષમ છે.