ભાવનગર: સતત સાત દિવસ સુધી ભાવનગરને મળશે વિકાસના વિવિધ પ્રકલ્પો.

Bhavnagar Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર શહેરને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત ૭ દિવસ સુઘી લોક સુવિધાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વગેરે જેવા આયોજન હાથ ધરવામાં આવનાર છે. વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે રાજ્યમંત્રીએ પોતાની ગ્રાન્ટમાંથી ભરત નગરની ભાગ્યોદય સોસાયટી તથા રક્ષેશ્વર મંદિર પાસે નિર્માણ પામનારી બે અદ્યતન આંગણવાડીનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા પૂર્વ ઝોન હેઠળ આવતી ૧૭૨ આંગણવાડીઓના બાળકો માટે પ્રત્યેક આંગણવાડી દીઠ સ્ટેનલેશ સ્ટીલની ૨૫ ડિશ-ચમચીના કુલ ૪,૩૭૫ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની હરણફાળ ભરી અને દેશ દુનિયામાં ગુજરાત મોડલને ગુંજતું કર્યું. એ રાહે ભાવનગર શહેરમાં પણ વિકાસના કામો લોકો સુઘી પહોંચતા કરવા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડીમા આવતા બાળકો મોટાભાગે વંચિત અને જરૂરિયાતમંદ હોય છે ત્યારે સરકાર દ્વારા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી માત્ર આંગણવાડીના બાળકો જ નહીં પરંતુ તમામ સગર્ભા તથા ધાત્રીમાતાઓના પોષણની જવાબદારી પણ સરકાર સુપેરે નિભાવી રહી છે. તાજેતરમાં અમલમાં મુકાયેલ નવી શિક્ષણનીતિમાં પણ ૩ થી ૬ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

નવનિર્મિત આંગણવાડી વિશે માહિતી આપતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે મોર્ડન આંગણવાડી અન્ય આંગણવાડી કરતા ક્ષેત્રફળમાં મોટી હશે. જેમાં હોલ ટાઈપ એક રૂમ, કિચન, સ્ટોર, વોશિંગ સ્પેશ, કવર્ડ વરંડા, W.C., રેમ્પ, પ્લે ગ્રાઉન્ડ, કંપાઉન્ડ વોલ, અન્ડર ગ્રાઉન્ડ ટાંકો, ઓવરહેડ ટાંકો તેમજ લાઈટ સહિતની આધુનિક સુવિધાઓ થકી બાળકોને સુલભ બને તેવું વાતાવરણ ઉભું કરવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *