રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ચેમ્બર અડીને સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર કરાયેલા મોનીટરીંગ સેલની મુલાકાત લીધી હતી.
અમરેલી વહીવટી તંત્રના પ્રયત્નોને બિરદાવતા આરોગ્ય કમિશનરએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ લોકડાઉનમાં આંશિક છૂટછાટ બાદ સુરત અને અમદાવાદથી મોટા પ્રમાણમાં લોકોની અવર જવર ચાલુ થતા કેસોની સંખ્યા વધી હતી. જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ટેસ્ટ કરીને એક-એક કેસને ડિટેકટ કરવામાં સફળ રહ્યું છે. ધનવંતરી રથ અને નિયંત્રણના અન્ય પગલાંઓ થકી એકંદરે કોરોના સામે લડત આપવા સ્થાનિક તંત્ર સફળ રહ્યું છે. આવી જ રીતે જિલ્લામાં વધુમાં વધુ ટેસ્ટ થાય અને કોરોના પોઝિટિવ દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળતી રહે એ દિશામાં કાર્ય કરવા આરોગ્ય કર્મીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે પ્રેઝન્ટેશનના માધ્યમથી અમરેલી જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા, સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડના બેડ, આઈસીયુ, દવાના જથ્થાની ઉપલબ્ધતા, કન્ટેઈનમેન્ટ ઝોન, હોમિયોપેથીક તથા આયુર્વેદની દવાઓના વિતરણ તથા બહારથી આવતા લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. અમરેલી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, ડોકટરઓ તથા અન્ય આરોગ્ય કર્મીઓઓ એક ટીમ તરીકેની કામગીરી કરી રહ્યા છે જે બદલ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.