રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
તાજેતરમાં ચોમાસામાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે જેના કારણે ત્રણેય તાલુકાના રોડ રસ્તાઓની માઠી અસર થઈ છે. માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સાવ જર્જરિત થઈ ગયા છે અને ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ પણ થઈ ગયું જેના સામે તંત્રની પ્રિ. મોન્સૂન કામગીરી પર સવાલો તો ઉઠયા જ હતાં. પણ હવે વરસાદ રોકાઈ જતાં ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે રોડ રસ્તાની પરિસ્થિતિ પર નજર નાખી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે ગાંધીનગર સચિવાલય જઈ રૂબરૂ મુલાકાત કરી પોતાના મતવિસ્તાર વિરમગામ, માંડલ અને દેત્રોજમાં રોડ રસ્તાઓનું નવીનીકરણ થાય તે માટે રજુઆત કરી હતી. વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના હોવા છતાં સરકાર સમક્ષ જઈને ધારદાર રજૂઆતો કરે છે અને માંડલ, વિરમગામ અને દેત્રોજ વિસ્તારમાં પણ તેઓ લાગણીશીલ ધારાસભ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે. લાખાભાઈ ધારાસભ્ય વિસ્તારની અનેકવાર મુલાકાત લે છે અને પ્રજા સાથે પ્રશ્નોત્તરી પણ કરે છે.