રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલી છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણાની રાહબરી હેઠળ શાળાના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં વડોદરા ગ્રામ્ય ડેસર પોલીસ સ્ટેશનમા પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા દિપકભાઇ વસાવાના આર્થિક સહયોગ થકી બોરીદ્વા ગામના ધો-૧ થી ૮ ના ૧૩૭ જેટલાં શાળાના બાળકોને સેવારૂપી ઝરણા રૂપે નિ:શુલ્ક અંદાજે રૂ. ૭૦ હજારના ખર્ચે શાળાનો ગણવેશ ઘરે ઘરે પહોચાડીને શિક્ષણની સાથે સેવા યજ્ઞની અનોખી એક પહેલ કરવામાં આવી છે. તેની સાથોસાથ વાલીઓ, બાળકો અને વડીલોને માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, સૅનેટાઇઝ કરવા અને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવાનું માર્ગદર્શન પણ પુરૂં પાડી રહ્યા છે.
આ પ્રસંગે લીમટવાડા ગૃપના સી.આર.સી વાસુદેવભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, હાલ નોવેલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, તેવા સમયે શાળાઓ બંધ હોવાથી બોરીદ્રા ગામની શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણા અને તેમના સ્ટાફ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિપકભાઇ વસાવાના સહયોગ થકી બાળકોને સેવાના ઝરણા રૂપે વિના મૂલ્યે ગણવેશ ઘરે ઘરે જઇને પુરો પાડ્યો છે તેથી શિક્ષણની સાથે સેવાયજ્ઞ કરનાર તમામ શિક્ષકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.
બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાની ધો-૪ ની વિદ્યાર્થીની અર્પિતાબેન સુકાભાઇ કહ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસને લીધે અમારી શાળા બંધ છે ત્યારે અમારા શાળાના અનિલ ગુરૂજી અને દિપકભાઇ વસાવાના સહયોગ થકી અમને બધાને શાળાનો ગણવેશ પુરો પાડ્યો છે. જે અમને આર્થિક રીતે પણ ઉપયોગી બની રહેશે.
આ પ્રસંગે નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગૃપના સી.આર.સી વાસુદેવભાઇ રાઠવા, બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણા અને શાળાનો સ્ટાફગણ, વિદ્યાર્થીના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.