નર્મદા: રાજપીપલામાં કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

ગુજરાતના સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ,સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લાના અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નૈષધભાઇ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ એમ. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઇ ભગત, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઇ પટેલ ઉપરાંત ફતેસિંહ વસાવા, ઉપેન્દ્રભાઇ પટેલ સહિત સંઘના અન્ય હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલાં વિજેતા શિક્ષકોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

નર્મદા જિલ્લા અને તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર, શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરતાં ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે તેમના જન્મદિનને દેશના શિક્ષકોને સમર્પિત કર્યો છે અને ત્યારથી શિક્ષક દિન તરીકે થઇ રહેલી ઉજવણી અંગે જણાવ્યું હતું કે, આપણી વૈદિક પરંપરા અને પ્રાચીન ગ્રંથોમાં પણ ગુરૂનો મહિમા ગવાયો છે. ગુ-એટલે અંધારૂં અને રૂ-એટલે દૂર કરનારા. અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી જીવન વિકાસ તરફ દોરી જનાર હોય તો તે ગુરૂ-શિક્ષક છે. સાચા ગુરૂની સંગતથી પ્રભુ-પરમાત્માને પણ પામી શકાય એટલી વિરાટ શક્તિ ગુરૂ પાસે રહેલી હોય છે. આપણી ધર્મકથાઓમાં પણ ગુરૂ-શિષ્યના અનેક પાત્રો અમર થઇ ચૂક્યા છે તેમ જણાવી પટેલે કૃષ્ણ-ગુરૂ સાંદિપનિ, રામ/લક્ષ્મણ-ગુરૂ વશિષ્ઠ,અર્જુન- ગુરૂ દ્રોણ, શિવાજી- ગુરૂ રામદાસ જેવા આ બધાં જ અમર પાત્રો આપણા જીવનનાં ઘડતરમાં ગુરૂનું મહત્વ દર્શાવે છે.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાના ૩ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર લેખે અને તાલુકાકક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજાર લેખે પુરસ્કાર સહિત શાલ ઓઢાડીને સન્માનપત્ર એનાયત કરાયા હતાં.જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર નિમિતા બેન મકવાણાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી એ કોરું કેનવાસ ની જેમ છે શિક્ષક એમાં વિવિધ રંગો ભરે છે અને તેમને આ સિદ્ધિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *