કોરોના કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. દરમિયાન આજે ડિંડોલીમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેમજ પોલીસ વાહનને પણ નુકશાન થયું. ડિંડોલી ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાન ના પોલીસ કર્મચારીઓએ ઉભા રાખી દંડાવાળી કરતા મામલો ભડક્યો હતો. આજુબાજુની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રાહદારીઓની મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. જેને લઈ રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યે બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘર્ષણ બાદ હાલ મામલો થાળે હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે, આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.