મહીસાગર: કડાણા ડેમના તટ વિસ્તારમાં દસ કરોડના ખર્ચે કરેલા સમારકામની કામગીરીમાં વપરાયેલી જાળી હાડોડબ્રીજ સુધી તણાઈ આવતાં કામગીરી શંકાઓના ઘેરામાં…

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

અધિકારીઓના સબ સલામતના દાવા વચ્ચે ડેમની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉઠ્યા

કડાણા ડેમની રીપેરીંગ કામગીરીના દસ કરોડ પાણીમાં વહ્યા ?

કડાણા જળાશયના તટ વિસ્તારમાં પડેલા ઊંડા ખાડાને ભરવા માટે રૂપિયા 3 કરોડના ખર્ચે કરેલ ટેન્ડર બાદ વધારાની ૭ કરોડની મંજુરી મેળવી અંદાજે દસ કરોડના ખર્ચે ગત જૂન માસ દરમિયાન થયેલ સમારકામની કામગીરીમાં વપરાયેલી નેટનો મોટો જથ્થો ૪૦ કિમી દૂર હાડોડ પુલ પાસે તણાઈ આવતાં સમારકામમાં કામગીરીમાં કરોડોનું કૌભાંડ થયું હોય તેવી સંભાવનાઓ સાથે ડેમની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થયા છે. દસ કરોડ પાણીમાં વહી ગયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

ગત વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ કડાણાડેમમાંથી લાખો કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારબાદ તટ વિસ્તારમાં ઊંડો ખાડો પડી ગયો હતો અને કરોડોના ખર્ચે સમારકામની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ સમારકામની કામગીરી અંગે સવાલો ઉભા થતાં જુન માસના અંતિમ સપ્તાહમાં પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડ કામગીરી સ્થળની મુલાકાત લીધી હતી તેમની આ મુલાકાત દરમિયાન સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર સમારકામની કામગીરીથી માહિતગાર કર્યા હતા. સાંસદ કામગીરીમાં વપરાશ કરવામાં આવનાર જાળી પણ બતાવી જો કે ત્યારબાદ જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો અને રીપેરીંગ કામગીરીને સારો એવો સમય મળી જતા ખાડાના કારણે ડેમની સુરક્ષાને લઇ ઉભા થયેલા સવાલો ટળી જતાં હાશકારો અનુભવાયો હતો. વરસાદ ખેંચાયો હતો પરંતુ ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક થઇ હતી જેના કારણે ગત સપ્તાહમાં કડાણાડેમમાંથી પાણી છોડાયા બાદ મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ડેમથી ૪૦ કિમીના અંતરે આવેલ હાડોડ બ્રીજ સહિતના બ્રીજ પાણીમાં ગરકાવ થયા હતા.પુરના પાણી ઓસર્યા બાદ પુલ પર ગત જૂન માસમાં ડેમના તટ વિસ્તારમાં થયેલ સમારકામની કામગીરીમાં વપરાયેલ જાળી તણાઈ આવતા કામગીરી શંકાના ઘેરામાં આવી અને અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પુર પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ થયેલ હાડોડ બ્રીજ પર અને બ્રીજ પાસે કડાણાડેમ સમારકામમાં વપરાયેલી જાળી નદીના પાણીમાં તરતી જોવા મળી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાડોડ બ્રીજ કાર્યરત કરવા બ્રીજની સાફ સફાઈ કરતાં મોટા પ્રમાણ આ જાળી ખસેડવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી ત્યારે કડાના ડેમના તટ વિસ્તારમાં થયેલ નબળી કામગીરીના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાના તેમજ ડેમની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.તો બીજી તરફ સમારકામમાં કરોડોના ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે અધિકારીઓ સબ સલામતનું ગાણું ગાઈ રહ્યા છે ત્યારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસની માંગ ઉઠી રહી છે.

આઠ જીલ્લાઓ માટે જીવાદોરી સમાન કડાણા ડેમ

કડાણા ડેમ મહીસાગર જિલ્લાની સાથે સાથે અન્ય ૮ જિલ્લાઓને પણ પાણી પૂરું પાડે છે (૧) મહીસાગર (૨) અરવલ્લી (૩) સાબરકાંઠા (૪) ગાંધીનગર (૫) મહેસાણા (૬) પાટણ (૭) બનાસકાંઠા (૮) અમદાવાદ. મહીસાગર જિલ્લાની ૨ લાખ ઉપરાંત હેક્ટર જમીનમાં પિયત માટે પાણી આપે છે તો અન્ય જિલ્લાઓમાં ૧૧ લાખ હેક્ટર ઉપરાંત જમીનને પાણી પિયત માટે પૂરું પાડે છે.

૭ કરોડ ચૂકવાયા છે….

સમારકામમાં અત્યાર સુધીમાં ૭ કરોડ કોન્ટ્રાકટરને ચૂકવી દેવામાં આવ્યા છે કામ ૨૦ ટકા હજુ બાકી છે જાળીઓ તણાઇ ગઈ છે. કામ હજી બાકી છે કામ પૂર્ણ થયું નથી કોન્ટ્રાકટર સમય મર્યાદામાં પૂર્ણ કર્યું નથી – આર.બી.માલ, નાયબ કાર્યપાલક ઇજનેર કડાણા ડેમ

મચ્છુ જેવી હોનારત થશે તો કોણ જવાબદાર ?

અધિકારીઓએ મિલી ભગત કરી ૩ કરોડના કામ ને વધારી ૧૦ કરોડનું કરવામાં આવ્યું અને ૭ કરોડ તો કોન્ટ્રાકટર ને આપી પણ દીધા છે. મચ્છુ ડેમની જેમ કડાણા ડેમ માં પણ હોનારત સર્જાશે તો નીચાણવાળા વિસ્તારના વસતા લોકો નું શું થશે અધિકારીઓ ને માત્ર ખિસ્સા ભરવામાં રસ છે ડેમ ને કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે સરકાર , અધિકારીઓ કે કોન્ટ્રાકટર ? આ ડેમમાં થયેલા કામની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ છે.- વેચાતભાઈ વાગડિયા, સ્થાનિક

કડાણા ડેમના પાયામાં પડેલા મોટા અને ઊંડા ખાડાઓની થયેલ કામગીરીની હકીકત

કડાણા ડેમના પાયામાં એટલો મોટો અને ઊંડો ખાડો થયો કે જેમાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૭૦૦૦૦ ઘન મીટરથી વધુ મોટા રબર (મોટી કપચી) તેમજ ગ્રેવલ વાપરવામાં આવી તો આ ખાડો કેટલો મોટો હશે ? ચર્ચાઈ રહ્યા મુજબ મહીસાગર નદીનો મુખ્ય પ્રવાહ ડેમના નીચેથી શરૂ થઈ ગયો હતો. પાણી કાઢવા માટે મોટા હેવી પમ્પ લગાવવામાં આવ્યા હતા છતાં પાણી ખાલી થવાનું નામ જ લેતું ન હતું તેથી અધિકારીઓએ પાણી કાઢવાની જગ્યાએ હવે એ ખાડાને પુરવાનું નક્કી કર્યું અને 3 કરોડનું ટેન્ડર કર્યું અને કોન્ટ્રાકટરને કામગીરી સોંપી દેવામાં આવી જેમાં ૩૫૦૦થી વધુ ડમ્પર વપરાયા અને નદીના પટમાંથી જે ગ્રેવલ નાખી તે બીજા ૪૦૦૦ થી વધુ ડમ્પર વાપરવામાં આવ્યા તેમ છતાં આ ખાડો પુરવાનું કામ પૂર્ણ થયું નહોતું. પુરાણ કર્યા બાદ મજબૂત પકડ રહે તે માટે ઉપયોગમાં લેવાયેલી જાળી અને તેના પર આરસીસી વર્ક કર્યાનું કહેવામાં આવી રહ્યું છે જો જાળી જ તણાઇ ગઈ તો તેના પરનું આરસીસી વર્ક ટક્યું હશે અને ખાડો પુરવામાં આવ્યો તે મટિરિયલ રહ્યું હશે ખરુ તેવા સવાલો ઉઠી રહ્યા છે.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *