રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
હાલ ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અતિ ભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિમાં પ્રતિ પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે. નકલી બિયારણ, રાસાયણિક દવા, વીમા કંપનીઓનું ચીટીંગ, પાક નિષ્ફળ છતા વીમા ન ચૂકવવા, ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળવા અને વિકાસના નામે ખેતીની જમીન સંપાદન થાય છે તેમાં ખેડૂતોને ઘોર અન્યાય થઈ રહ્યો છે. બિન ખેડૂત પૈસાદાર અને ખેતીની જમીન હડપ કરવાના કાયદા, આ કાયદાથી લાખો ખેડૂતો જમીન વિહોણા બનશે તથા ભયંકર ગરીબીમાં ધકેલાઈ જશે.

આ બધી આફતોના કારણે ખેડૂતો દેવાદાર બનશે અને લાખો ખેડૂતો ખેતીથી કંટાળીને આપઘાત કરી જિંદગી ટૂંકાવી નાખશે. આ આવેદનમાં મુખ્ય માગણી એ છે કે પાક નિષ્ફળ ગયો છે તેમને રૂપિયા ૪૦ હજારનું વળતર, જમીન ધોવાણમાં લેવલ કરવા માટે એકર દીઠ 30 હજારની સહાય, વર્ષ ૨૦૧૯-૨૦ નો પાક વીમો આપો, ખેતીના પાકમાં સરકારી વીમા કંપની લાવો અને વીમા પ્રીમિયમ લેવાનું શરૂ કરો, દવા બિયારણમાં ખેડૂતો સાથે ચીટિંગ કરતી કંપનીઓના માલિકોને જેલ ભેગા કરો, ખેડૂતોની જમીનનું રક્ષણ કરવા બિન ખેડૂતોને જમીન ખરીદવાનો અધિકાર ના આપો અને આ કાયદો પાછો ખેંચો, ખેતી સમસ્યાથી પીડિત ખેડૂતોના આપઘાતના કેસમાં તેમના નિરાધાર વારસદારોને રૂપિયા 25 લાખનું વળતર આપો, ખેતીમાં વપરાતા ઓજારો દવા બિયારણ ખાતર માંથી GST દૂર કરી ખેડૂતોને રાહત આપો જેવી માગણીઓ સાથે ઉપલેટામાં ગુજરાત કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
