વાઘોડિયા પોલીસ મથકના સહી-સિક્કાવાળા બોગસ પાસ બનાવીને લોકડાઉનમાં ફરતા 2 બોગસ પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે. વાઘોડિયા પોલીસે અગાઉ બનાવી આપેલા પાસની મુદ્દત પૂરી થયા બાદ તારીખમાં સુધારો કરીને ફરતા હતા.
બંને સોશિયલ મીડિયા પત્રકારો હોવાનું જણાવીને ફરતા હતા
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ઉંડા ફળીયામાં રહેતો ઇલિયાસ ઇસુબભાઇ ઘાંચી અને શબ્બીર દાઉદભાઇ ઘાંચી વાઘોડિયા પોલીસ મથકના સહી-સિક્કાવાળો બોગસ પાસ બનાવીને લોકડાઉનમાં ફરતા હોવાની માહિતી વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જી. પરમારને મળી હતી. જે માહિતીના આધારે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ બંને સોશિયલ મીડિયા પત્રકારો હોવાનું જણાવીને ફરતા હતા. આ બંને કોરોના વાઈરસ નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં વાઘોડિયા તાલુકામાં તો ઠીક વડોદરા સિવાય અન્ય જિલ્લાઓમાં પણ જતા હતા. અને કોઇ જગ્યાએ તેઓને પોલીસ રોકે તો તેઓને વાઘોડિયા પોલીસ મથકના સહી-સિક્કાવાળો બોગસ પાસ બતાવતા હતા.
બંને આરોપી પત્રકાર હોવાનું જણાવી લોકોને ધાકધમકી આપીને ખંડણી વસૂલ કરતા હતા
વાઘોડિયાનો ઇલિયાસ ઘાંચી અને શબ્બીર ઘાંચી બોગસ પાસ સાથે ઝડપાઇ જતા વાઘોડિયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બંને પત્રકારો હોવાનું જણાવી લોકોને ધાકધમકી આપી ખંડણી પણ વસૂલ કરતા હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે