રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
દરેક બાળક અને માતા કુપોષણ મુક્ત બને તે માટે રાજય સરકારે અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પોષણ અભિયાન, ટેક હોમ રાશન, કિચન ગાર્ડન સહિતની યોજનાઓ થકી આજે સુપોષિત સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈ બાળક તથા માતાનું પોષણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે.
ત્યારે ભાવનગર જીલ્લો પણ કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મેદાન સાથેની ૬૦૦ સરકારી શાળાઓમાં કિચન ગાર્ડન નિર્માણ કરવાનું તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં રીંગણ, ટમેટા, દુધી, ધાણા, મરચાં, સરગવો વગેરે જેવી પોષણયુક્ત શાકભાજી તથા જાબું, જામફળ, સીતાફળ વગેરેનું વાવેતર કરવામાં આવશે અને કિચન ગાર્ડન થકી ઉત્પાદિત થયેલ આ શાકભાજી તથા ફળોને વિદ્યાર્થીઓને નિયમિત અપાતા મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાશે.
રાજ્ય સરકારના પોષણ અભિયાનને નાગરિકોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ડેપ્યુટી કલેકટર ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલ કિચન ગાર્ડનમાં આજે વિશાલભાઈ ધામેલીયા તથા ઘનશ્યામભાઈ ગોરસીયાએ ભાવનગર ગ્રામ્ય તથા ઘોઘા તાલુકાની ૧૦૦ શાળાઓમાં વિવિધ શાકભાજીના બીજનું અનુદાન કરી પોતાનો યોગ્ય સહયોગ અર્પણ કર્યો હતો.