રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર શહેરમાં રૂ.૨૫૫.૬૧ કરોડના ખર્ચે હાથ ધરાયેલ પ્રજાલક્ષી કામો આધુનિક ફ્લાય ઓવર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧,૩૩૨ આવાસોનું ઈ-ખાતમુહૂર્ત તથા ગંગાજળિયા તળાવનું રી-ડેવલપમેન્ટ, રૂવા-આનંદનગર અને તરસમીયા હેલ્થ સેન્ટરનું ઈ- લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાવનગરે ભાવસિંહજી, કૃષ્ણકુમારસિંહજી તથા પ્રભાશંકર પટ્ટણી જેવા કુશળ શાસકો આપ્યા છે. રાષ્ટ્રના એકીકરણ માટે કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજ્ય રાષ્ટ્રના ચરણોમાં સમર્પિત કરવાની પહેલ કરી હતી. પ્રભાશંકર પટ્ટણી દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરાયેલ વિશેષ કામગીરી ઇતિહાસમા સુવર્ણ અક્ષરે અંકિત છે. ભાવનગરે કોરોના જેવી મહામારીમા પણ વિકાસની યાત્રા ચાલુ રાખી પ્રજાલક્ષી વિકાસના કાર્યો પૂર્ણ કર્યા છે, તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
કોરોના મહામારીમાં ગુજરાત રાજ્યે કરેલ કામગીરીની નોંધ સમગ્ર દેશમાં લેવાઈ છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોરોના સંક્રમણને ખાળવા ભાવનગરમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. કર્મચારી, અધિકારી તથા લોકોના સહિયારા પ્રયાસથી આજે ગુજરાતમાં અન્ય રાજ્યોના પ્રમાણમાં કોરોના અંગે અસરકારક કામગીરી થઈ છે અને તેથી જ ગુજરાતનો રિકવરી રેટ દેશમાં સૌથી ઊંચો છે. કોરોના સંક્રમણને ખાળવા ગુજરાતની રણનીતિ સફળ રહી છે. મૃત્યુ દર ઘટયો છે તેમજ પોઝિટીવીટી રેટ પણ હવે ઘટવા માંડયો છે.
ભાવનગરના સર્વાંગી વિકાસની નેમ વ્યકત કરતા તેમણે ઉમેર્યુ કે સી.એન.જી. પોર્ટ, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, શૈક્ષણિક ક્ષેત્ર, રસ્તાઓ-ફલાયઓવર, હીરા ઉદ્યોગ, રોલિંગ મિલ, નલ સે જલ યોજના સહિતના તમામ ક્ષેત્રે ભાવનગરનો વિકાસ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.