રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ વિસ્તારમાં નદી નાળા વોંકળામાં તંત્રની મીઠી નજરે ભૂમાફિયાઓ એ કરેલાં દબાણો જવાબદાર…
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં લોકો હેરાનપરેશાન થઈ ગયાં હતાં. કેશોદ શહેરમાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ ૫૮ ઈંચ નોંધાયો છે ત્યારે નગરપાલિકા વિસ્તારમાં લગભગ અડધાથી વધારે વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળીયો નદી ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે નાં વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા સીમેન્ટ કોંક્રિટ નાં જંગલ ખડકી દેવામાં આવતાં પાણીનાં વહેણમાં દબાણો ને કારણે વરસાદ નું પાણી છલીને રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા હતાં. એક તરફ કોરોના મહામારી કાબુમાં આવવાને બદલે વકરી રહી છે અને કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ બસો થી વધારે નોંધાયા છે.
બીજી તરફ સરેરાશ ૩૫ ઈંચ કરતાં વધારે વરસાદ વરસતા પાણીજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના છે. કેશોદ શહેરમાં એકધારો પાંચ ઈંચ વરસાદ પડતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં કેશોદ શહેરમાં જાનમાલની નુકસાની થવાની પુરેપુરી સંભાવના વર્તાય છે. કેશોદ શહેરમાં રણછોડનગર, ગોપાલનગર, જોલી પાર્ક સોસાયટી, મેઘના સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, ઉતાવળીયા કાંઠા વિસ્તારમાં, શાસ્ત્રીનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. સદનસીબે રાત્રીના સમયે વરસાદ બંધ થઈ જતાં પાણી ઉતરવા લાગ્યા હતાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેશોદ નગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં ઉંચા સીમેન્ટ રોડ બનાવવામાં આવેલ છે એ વિસ્તારમાં ખુલ્લાં પ્લોટમાં પાણી ભરાયેલા છે જે આવનારાં પંદર વીસ દિવસ સુકાવાની સંભાવના નથી ત્યારે રોગચાળો ફેલાય એ પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ એ સવાલ ઉભો થયો છે. કેશોદ શહેરમાં ભુર્ગભ ગટર વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યારે પંપીંગ સ્ટેશન ચાલુ કરવામાં ન આવતાં હોય ત્યારે ભૂર્ગભ ગટરો ઉભરાય રહીશો નાં ઘરોમાં ગંદકી ફેલાય રહી છે. કેશોદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં રહીશો ની દયનીય સ્થિતિ સર્જાઈ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને પગલાં ભરવામાં ન આવતાં શહેરીજનો ઈશ્વર પર મીટ માંડીને બેઠા છે.
ક્યારે સૂર્યદેવ તડકો આપે અને મેઘરાજા ખમૈયા કરે તો અસ્તવ્યસ્ત થયેલું જનજીવન રાબેતા મુજબ પૂર્વવત્ થઈ જાય એ માટે ઈશ્વર નાં ભરોસે બેઠા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક નગરપાલિકા ને અધતન ટેકનોલોજી સાથે સાધન સામગ્રી આપવામાં આવી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવાને બદલે કુદરતી સમસ્યા દૂર થાય એની રાહ જોતાં હોય એવાં અનુભવો શહેરીજનો ને થયાં હતાં. કેશોદના રહીશો દ્વારા સોશ્યલ મીડિયા નાં માધ્યમથી સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવા પ્રયત્નો કર્યા હતાં પણ નિર્ભર તંત્રનું પેટનું પાણી હાલતું ચાલતું નહોતું. દર વર્ષે ચોમાસું શરૂ થવાનું હોય તે પહેલાં પ્રી મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષે કોરોના મહામારી માં નહિવત કામગીરી કરવામાં આવી હોય અને ઠેર ઠેર નદી નાળા વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવાને બદલે નોટિસ આપી સંતોષ વ્યક્ત કરવામાં આવેલ હોય જેનાં કારણે સ્થિતિ વણસી હતી. કેશોદ શહેરમાં તંત્ર દ્વારા એકબીજાને ખો આપવાની જોગવાઈ વિરુદ્ધ સતાધારી પક્ષના પ્રતિનિધિઓ આગેવાનો ગંભીર બનશે નહીં તો આવનારાં દિવસોમાં કેશોદ નાં રહીશો ના રોષ નો ભોગ બને તો નવાઈ નહીં રહે.