રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સરકાર કે તંત્ર દ્વારા આજદિન સુધી ગામમાં લાઈટ કે પાકાં રસ્તા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીંગાપાદર ગામના લોકો હજુ આઝાદી ન મળી હોય તેમ આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ લાઈટ,રસ્તા વગર જીવન પસાર કરી રહ્યા છે.દેશના આધુનિક યુગમાં સરકાર કે તંત્ર દ્વારા લાઈટ જેવી અત્યંત જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ નથી,ગામમાં લાઈટ ન હોવાથી લોકો અંધારા માં પોતાનું રોજીંદુ કામ કરવા લાચાર બન્યા છે.
ભારત દેશે વિજ્ઞાન અને ટેકનોલોજી માં હરણફાળ પ્રગતિ કરી છે આજના ઈન્ટરનેટ,મોબાઈલના આ યુગમાં ગામના લોકો ટીવી જેવી સુવિધા પણ લાઈટ ના અભાવે ઉપયોગ કરી શકતા નથી વિકાસશીલ ગુજરાતના બણગા ફૂંકતી સરકાર રીંગાપાદર ગામના લોકોને જાણે હજુ આઝાદી અપાવી શકી નથી એમ લાગી થયું છે.
ગામના અન્ય વિકાસની વાત કરીએ તો રીંગાપાદર ગામની વસતી અંદાજીત ૪૦૦ થી ૫૦૦ જેટલી છે,ગામના લોકોને તાલુકા કે જિલ્લા મથકે કોઈ કામ અર્થે જવા આવવા માટે કાચો આઝાદી કાળ થી બનેલો રસ્તો જ છે,ચોમાસામાં આ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જાય છે,ગામ લોકો ચોમાસા દરમિયાન ચાર મહિના જાણે પહેલેથી જ લોક ડાઉનમા જીવતા આવ્યા છે ચોમાસા દરમિયાન કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે મહિલાઓ ને પ્રસુતિના સમયે લાકડાની ઝોળી કરીને ઝોળીમા બાંધીને દેડીયાપાડા લઈ જવા ગામ લોકો લાચાર બન્યા છે.આઝાદી કાળના ૭૪ વર્ષ બાદ ગામ લોકો તંત્રના રેઢીયાળ વહીવટના વાંકે લાઈટ વગર અંધકારમય જીવન પસાર કરી રહ્યા છે.ત્યારે સરકાર ની ઉચ્ચ શિક્ષણ અને એક પણ બાળક શિક્ષણ થી વંચિત ના રહે ની જાહેરાતો આવા ગામોની તકલીફો જોતા જાણે ખોખલી જ લાગી રહી છે.માટે સરકાર ગામમાં વીજળી, રસ્તા સહિતની પાયાની સુવિધાઓ વહેલી તકે આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.