રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
તંત્રની ભ્રષ્ટનીતિની પોલ ખુલી, તાત્કાલિક આ ગરનાળુ બનાવાય તેવી માંગ…
સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ જિલ્લામાં ગયા સપ્તાહમાં ભારે વરસાદ થવાના કારણે પ્રજા અને તંત્ર માટે કેટલાક વિષયો ચિંતાના બની ગયા છે. સારો વરસાદ થવાથી ખેડૂતોને ફાયદો થવો જોઈએ તેના બદલે આ વર્ષે જળબંબાકાર થઈ જતાં માંડલ તાલુકાના કેટલાક ગામોની સીમોમાં/ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને નીચાણવાળા ખેતરોમાં તો હજુ દસ પંદર દિવસ સુધી પાણી સુકાશે નહીં જેના કારણે માંડલ તાલુકાના કેટલાક ખેડૂતોના પાકો સો ટકા નિષ્ફળ ગયા છે અને હજુ પણ કેટલાક ઉભા પાકો સંપૂર્ણપણે નાશ થઈ જાય તેવી ભીતિ સર્જાઈ છે તો ખેડૂતોની સાથે સાથે તાલુકામાં ભારે તારાજી સર્જાતા ગરીબ માણસોના કાચા મકાનો પણ ધરાશાયી થઈ ગયા છે. કેટલાક રોડ રસ્તાઓ પણ તૂટી ગયા છે જેને લઈને માંડલ થી વરમોર જવાના રોડ પર વચ્ચે આવેલ એક ગરનાળું જે ઉપરવાસના પાણી આવતાં ગરનાળું પણ તણાઈ ગયું છે. જેથી આ રોડ પર બાઈક,ગાડી કે સાધન નહીં માત્ર ચાલીને નીકળવું એ પણ જોખમ છે જેના કારણે ગ્રામજનો દ્વારા આ રોડ પર બાવળો નાખી રોડ હાલ બંધ કરી દીધો છે. આ રોડ પર માત્ર ઉપર રોડ રહ્યો છે નીચેથી નાળું પાણીમાં વહી જતાં આ રોડ ખુબજ જોખમી બન્યો છે સાથે સાથે ભ્રષ્ટ તંત્રની કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. પણ આ રોડનું સમારકામ થાય અને વ્યવસ્થિત પાકું ગરનાળું મૂકી રોડને મજબૂત બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.