રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ધરતી પુત્રના સમગ્રતયા વિકાસ માટે અને ખેડૂત કલ્યાણના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ : રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓની ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે કારડીયા રાજપુત ધર્માલયમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા કલ્સટર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જોટવાએ જણાવ્યું હતું કે, ધરતી પુત્રના સમગ્ર વિકાસ માટે અને ખેડૂત કલ્યાણના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં આ યોજનાની જાહેરાત કરી છે. ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુરદતી આપત્તિમાં ખેડૂતોને થતા પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મુકવા સરકારશ્રીએ નિર્ણય કર્યો છે. તેમ જણાવી તેઓશ્રીએ ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે પણ આ યોજનાની વિસ્તૃત જાણકારી આપી અને જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને આ વર્ષની ખરીફ સિઝન માટે તેમના દરેક પાક માટે મળવાનો છે. સંયુક્ત ખેતી નિયામક જુનાગઢ વિભાગ ડી.બી.ગજેરા અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.વાઘમશીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત જાણકારી અને ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, જીવામૃત બનાવવા કીટ માટે સહાય, કિસાન પરિવહન યોજના, ખેડૂતો અને ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહિતની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.