રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજા, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ નાંદોદ-ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સાથોસાથ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે નવી યોજનાઓની પણ સમજ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડવા માટે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં વધુમાં ગેડીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખરીફ પાકમાં અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ સામે વિમાના સુરક્ષા કવચ સાથે ખરીફ પાકની સંપૂર્ણપણે ચિંતા સરકાર કરશે. તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવાયેલ તમામ પાસાંઓની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિમાં નર્મદા જિલ્લામાં લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂા.૯૪ કરોડની રકમ જમા કરાઇ છે. તેમણે સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતની કાર્યશૈલી થકી પોતાની કામગીરીથી આત્મસંતોષ થાય તે જોવા સૌ કર્મયોગીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાહિતના કાર્યો થકી સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કટિબધ્ધ છે. હાલની કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સહાયરૂપ થવા થયેલી કામગીરીને બિરદાવવાની સાથોસાથ જગતના તાત-ખેડૂતોને પણ આવા સંજોગોમાં કોઇ તકલીફ ન પડે તેની સરકારે ચિંતા કરીને કોરોનામાં પણ ઉત્તમ પ્રકારની પ્રજાકીય સેવા સાથેનું સુશાસન પુરૂં પાડ્યું છે. ગત વર્ષે પાક નુકશાનીના વળતર પેટે જિલ્લાના ૩૩,૧૧૩ ખેડૂતોને રૂા.૩૪.૧૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતમિત્રોને પોતાના અન્ય ખેડૂતો સુધી કૃષિલક્ષી યોજનાઓની જાણકારી પહોંચાડવાની સાથોસાથ ગામના સરપંચઓનો પણ તેમાં વિશેષ સહયોગ મળી રહે તે જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.