રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ર કરોડ પ૩ લાખની રકમ મંજૂર કરી છે. ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં આ ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાણીની અછત નિવારી સુદ્રઢ જળ વ્યવસ્થાપન દ્વારા ગુજરાતને વોટર ડેફિસીટથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના કરેલા સંકલ્પમાં આ ચેકડેમનું નિર્માણ વધુ બળ આપશે.હડમતાળા ગામે નિર્માણ થનારા આ ચેકડેમમાં ૧૧.ર૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થશે અને સિંચાઇ સુવિધા પૂરતી મળતી થવાથી આ વિસ્તારના હડમતાળા, વાંગ્રધા અને તરપળ ગામોના ખેડૂતો ત્રણેય મોસમમાં પાક લઇ શકશે. આ ચેકડેમ નિર્માણમાં કોઇ હયાત ચેકડેમ, રસ્તો, ખેતર કે ખાનગી મિલ્કત ડૂબાણમાં જવાના નથી.