રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવા મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 124 મી જન્મજયંતિ છે.સૈકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે.અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.પાળિયાને પણ બેઠા કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે.મેઘાણીજી ઇ.સ.1912 થી 1916 દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યા હતા.અને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ થયું છે.તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈ ના દિવા, વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરુણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે.
કવિ,લેખક,પત્રકાર,વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.૨૮/૦૮/૧૮૯૬ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં હતાં.
પિતા પોલીસ એજન્સીમાં અમલદાર હોવાથી બદલીના કારણે મેઘાણીજીનો પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વસ્યો હતો. તેઓનો પ્રારંભિક અભ્યાસ રાજકોટ શહેર ખાતે જ્યારે માધ્યમિક તથા કૉલેજનો અભ્યાસ અમરેલી, જૂનાગઢ અને ભાવનગર ખાતે પૂર્ણ થયો હતો. તેજસ્વી વિધાર્થી મેઘાણીજીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસૉફીના સંસ્કારબીજ અભ્યાસકાળ દરમિયાન જ વવાયા હતાં.
કૌટુંબિક કારણોસર એમ.એ. નો અભ્યાસ અધુરો છોડી તેઓ કલકત્તા ખાતે જીવણલાલ ઍન્ડ કંપનીની પેઢીમાં નોકરી સ્વીકારી બંગાળ ખાતે સ્થાયી થયાં. અહીં તેઓ બંગાળી ભાષા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરજીના પરિચયમાં આવ્યા બાદ અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષામાં ઉત્તમ ભાવાનુવાદ કરી રવીન્દ્ર વીણા નામનો કાવ્યસંગ્રહ ભાવિ પેઢીને અર્પણ કરી ગયા છે. વતનનો સાદ સાંભળી કલકત્તા છોડી કાઠિયાવાડ ખાતે સ્થાયી થયા બાદ “સૌરાષ્ટ્ર” અને “ફૂલછાબ” અખબારમાં સૌ પ્રથમ પત્રકાર અને ત્યારબાદ તંત્રી તરીકેની પ્રસંશનીય ફરજ બજાવી પત્રકારત્વ જગતમાં અનોખી ભાત પાડી.
ઈ.સ. ૧૯૪૦ માં રાજકોટ ખાતે અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં વિદ્વાન ચારણ-ગઢવી કવિઓ ઉપસ્થિત રહ્યા હતાં. સંમેલનમાં મેઘાણીજીને વ્યાખ્યાન આપવા આમંત્રણ અપાયું હતું. સતત પોણા બે કલાક સુધી વાણીનો ધોધ વહાવ્યો. તેઓની અસ્ખલિત વાણી સૌ દેવીપુત્રો મુગ્ધભાવે સાંભળતા રહ્યા. લીંબડી સ્ટેટના રાજકવિ અને વિદ્વાન ચારણ સાક્ષર શંકરદાનજી એ કહ્યું : “ઝવેરચંદ મેઘાણી, હવે કળજુગ પૂરેપુરો આવ્યો.” મેઘાણી ભાઈએ પૂછ્યું : “કેમ બાપા, એમ બોલો છો.” રાજકવિ શંકારદાનજીએ કહ્યું : “અમે દેવીપુત્રો અહીં મોટી સંખ્યામાં બેઠા છીએ અને એક વાણિયાનો દીકરો અમને અમારા સાહિત્યનું મહત્વ એવી રીતે સમજાવતો રહ્યો કે અમે હોકાની ઘૂંટ લેવાનુંય વિસરી ગયા અને મૂઢ બનીને સાંભળતા જ રહ્યા.” બાપ, વાણિયા પાસે તો અમે હિસાબ લખાવવા આવીએ, કાગળ પત્ર વંચાવવા આવીએ અને તે અમોને બધાને મૂંગા મંતર કરી દીધા, પૂતળા બનાવી મૂકયા તે કળજુગ નહીં તો બીજું શું ?? ઝવેરચંદ મેઘાણીએ ખૂબ જ વિવેકથી જવાબ આપ્યો , “હું તો ચારણનો ટપાલી છું. બાપુ, એક ઠેકાણાની ટપાલ બીજે ઠેકાણે વહેંચતો ફરું છું. મારું પોતાનું તો આમાં કાંઈ નથી.” પરંતુ આ નમ્રતામાં મેઘાણીભાઈનો વર્ષોનો દેશ-પરદેશનો લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ છૂપો નહોતો રહ્યો.
તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતાં. લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈ.સ. ૧૯૯૯ માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.