રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સિદ્ધપુર બી.એસ.એન.એલ ની બ્રોડબેન્ડસેવાનો કેબલ કપાઈ જતા સિદ્ધપુર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની કામગીરી બંધ થઈ જવા પામી છે. આથી લોકોને મળતી ઓનલાઇન સુવિધાઓ ખોરંભે ચડી જવા પામી છે. આમ થતા દુરદુરથી દાખલા,ઉતારા અને રેશનકાર્ડના કામે જનસેવા કેન્દ્રમાં આવતા લોકોના કામ અટકી પડ્યા છે. કોરોના મહામારીના વિકટ સમયે આવા સરકારી કામ પૂર્ણ ના થતા લોકોના સમય અને નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે.
સિદ્ધપુર મામલતદાર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્ર છેલ્લા બે દિવસથી બંધ છે.અહીં લોકો ૭-૧૨ ૮-અ ના ઉતારા,આવક-જાતિના દાખલા લેવા સહિત રેશનકાર્ડની કામગીરી ઓનલાઇન કરાવવા તાલુકાભરમાંથી આવતા હોય છે ત્યારે બે દિવસથી ઇન્ટરનેટ સેવા બંધ હોવાથી લોકોને અનેક હાલાકીઓ સહન કરવી પડી રહી છે.કોરોના મહામારી વચ્ચે એકતરફ લોકો અસહ્ય આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં અદ્યતન ટેક્નોલોજી ની સુવિધાના નામે લોકોને સમય અને નાણાંનો વ્યય કરવો પડી રહ્યો છે. તાલુકાની આમ પ્રજાના કામ થતા ના હોવાથી તેઓને નિરાશ બની પરત ફરવું પડી રહ્યું છે.એકતરફ સરકાર ઇ-સેવા અને ઇ-ટેક્નોલોજીની વાતોના બણગાં મારી રહી છે… રાજ્યમાં મોડેલ જનસેવા કેન્દ્રો શરૂ કરી રહી છે.ત્યારે આવી ઈ સેવાઓ ઇન્ટરનેટ પ્રોબ્લેમના કારણે બંધ રહે તેવા સમયે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબ અને સરકારી કામે આવતા લોકોને કચેરીઓના ધરમ-ધક્કા ખાવા પડે નહીં તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.આ અંગે સિદ્ધપુર મામલતદાર કનકસિંહ ગોહિલે જણાવેલ કે બીએસએનએલનો કેબલ ક્યાંકથી કપાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે.ઉપરાંત હજુ સુધી ફોલ્ટ મળી શક્યો ના હોવાથી બે દિવસથી જનસેવા કેન્દ્ર બંધ છે.આ ઉપરાંત સિદ્ધપુર બસ સ્ટેન્ડમાં આ જ મુશ્કેલીને કારણે પાસબારીની સેવા પણ ખોરંભાઈ હોવાનું જાણવા મળેલ છે.