રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ડૉ. વિનોદ રાવે મહીસાગર જિલ્લાના મુખ્થ મથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલની મુલાકાત લઇને હોસ્પિટલમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓની જાણકારી મેળવી ખૂટતી સુવિધાઓની ચકાસણી અર્થે પહોંચ્યા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ આરોગ્ય સચિવ જયંતિ રવિની મુલાકાત સમયે મીડીયાએ ધમણ તેમજ કોરોનાની આંકડાકીય વિસંગતતાઓ અંગે પુછેલા પ્રશ્નોના અનુભવ પરથી વિનોદ રાવની મીડિયા મુલાકાત ના થાય તેની ખાસ કાળજી રાખી હતી. જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે ડૉ. વિનોદ રાવે જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વિડિયો કોલીંગ કરીને વાતચીત કરી દર્દીઓ પાસેથી આપવામાં આવી રહેલ સારવાર અંગેની પૃચ્છા કરતાં દર્દીઓએ પણ ખૂબ જ સંતોષ વ્યકત કર્યો હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત ડૉ. રાવે હોસ્પિટલની અંદર સારવાર આપી રહેલ તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વીડિયો કોલીંગથી સંવાદ કરી દર્દીઓને આપવામાં આવી રહેલ વિવિધ સારવારની જાણકારી મેળવી હતી. ડૉ. રાવે જિલ્લામાં જરૂર જણાયે ઓકિસ્જન, બાયપેટ, વેન્ટીલેટર જેવી સુવિધાઓની જરૂર પડશે તો તમામ સુવિધાઓ પૂરી પાડવાની તત્પરતા દર્શાવી હતી. વડોદરાના ખાસ ફરજના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવની આ મુલાકાત દરમિયાન વડોદરાના રીજયોનલ ડેપ્યુટી ડાયરેકટર, જિલ્લા કલેકટર આર. બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. બી. શાહ, પ્રાંત અધિકારી મોડિયા, જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. જે. કે. પટેલ વિગેરેએ સાથે રહીને જરૂરી માહિતી પૂરી પાડી હતી.
મીડિયાને દૂર રાખવા તંત્રએ ભારે જહેમત ઉઠાવી
બીજી તરફ કોરોનાના સંકટકાળમાં મહીસાગર જીલ્લો સુવિધાયુક્ત હોસ્પિટલ માટે હાલાકી ભોગવી રહ્યો છે. ૧૫૦ બેડની હોસ્પિટલનું ખાતમુહુર્ત થયે બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે. કોરોનાની મહામારીમાં બાલાસિનોર કે.એસ.પી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ બનાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ કોરોના કેસમાં વધારો થતાં લુણાવાડા જનરલ હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ બનાવી છે. જો કે મોટાભાગના વધુ સારવાર અને ગંભીર દર્દીઓને જિલ્લા બહાર જ ખસેડવા પડે છે જિલ્લામાં પ્રાથમિક સુવિધાથી વધુની સગવડ અને સુવિધા નથી. આવી અનેક આરોગ્ય સુવિધાઓની મુશ્કેલીઓ જિલ્લામાં વર્તાઈ રહી છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા વિનોદ રાવને જિલ્લાની સાચી પરિસ્થિતિથી અવગત ના થાય તે માટે મીડિયાને દુર રાખવામાં તંત્રએ ભારે જહેમત ઉઠાવી હોવાનું જણાઈ રહ્યું છે.