પંચમલહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ટેસ્ટિંગ સ્થળો અને સર્વે ટીમોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ.
પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા માટે મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવાની વ્યૂહરચના અંતર્ગત ગોધરા શહેરમાં આજથી ડોર-ટુ-ડોર મેગા આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરામાં સંક્રમણનો વ્યાપ અને ઝડપ ઘટાડવા માટે શહેરના પાંચ વોર્ડ- ૨, ૫, ૯, ૧૦, અને ૧૧ વિસ્તારની સોસાયટીઓમાં તા. ૩૦/૦૮/૨૦૨૦ સુધી આરોગ્યની ૫૫ ટીમો દ્વારા સઘન મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારો માં ૪ ટેસ્ટિંગ સેન્ટર્સ તેમજ ૧૦ ધન્વન્તરી રથો આ કામગીરી માટે કાર્યરત કરવામાં આવ્યા છે. સુગમતા માટે મતદાન મથક વાઈઝ ટીમોની રચના કરાઈ છે અને સ્થાનિક વિસ્તારની ઓળખ માટે દરેક ટીમની સાથે એક બીએલઓને પણ કામગીરી સોંપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે ડ્રાઈવના પ્રથમ દિવસે પોલન બજાર ખાતેની ઉર્દૂ કુમાર શાળા સહિતના ટેસ્ટિંગ કેન્દ્રોની મુલાકાત લઈ ટેસ્ટિંગની કામગીરી તેમજ વિવિધ વિસ્તારોમાં હાથ ધરાઈ રહેલ સર્વેની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના -માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા કલેકટર અમિત અરોરાએ આ બાબતે જણાવ્યું હતું કે આ ડ્રાઈવ અંતર્ગત નગરપાલિકના દરેક ઘરને આવરી લઈ બ્લડમાં ઓક્સિજન નું ઓછું પ્રમાણ ધરાવતા, ઈન્ફ્લુએન્ઝા પ્રકારના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધી કાઢી ટેસ્ટિંગ કરી સંક્રમિત હોવાના કેસમાં વહેલી તકે અલગ તારવી સંક્રમણની ઝ઼ડપ ઘટાડવાનો હેતુ છે. આ ડ્રાઈવથી સંક્રમિત હોય અને કોમોર્બિડ હોય તેવી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લાવી સંક્રમણથી તેમને રહેલું જોખમ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ સાથે સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ પણ હાથ ધરવામાં આવશે. તેમણે શહેરના રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓને આ ડ્રાઈવ માટે સહયોગ કરવા અને તે રીતે શહેરને કોરોનાથી સુરક્ષિત કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે ગોન્દ્રા ખાતેના પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લઈ ડોર-ટુ-ડોર સર્વે કરી રહેલી ટીમોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંભવિત સંક્રમિતોને તેમની સ્થિતિ કથળે તે પહેલા શોધવાના લક્ષ્ય સાથે શરૂ કરાયેલ આ સર્વેમાં કોઈ પણ વ્યક્તિ આ મેડિકલ સ્ક્રિનિંગ માં બાકાત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા, કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓને ટેસ્ટિંગમાં આવરી લેવા, કોરોના સંબંધી માસ્ક સહિતના સાવચેતીના પગલાઓ અંગે માહિતગાર કરવા સહિતનું માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારોમાં કાર્યરત દરેક ટીમ પ્રતિદિન ૧૦૦થી વધુ ઘરોની મુલાકાત લઈ આરોગ્ય સર્વે કરશે.
શહેરના નાગરિકોમાં ટેસ્ટિંગના ભયને દૂર કરવા જિલ્લા કલેકટર અને નાયબ પોલિસ અધિક્ષક દ્વારા સૌપ્રથમ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લાના ક્લાસ વન અધિકારીઓની લાયઝન ઓફિસર્સ અને સુપરવાઈઝર્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.