રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયે થયેલી શ્રીકાર વર્ષાથી જિલ્લાના ૫ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી ૮૦ ટકાથી વધુ સુધી પહોંચી છે. આજ સવારના ૬ વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા ડેમ ૨૭૭.૮૦, કાળી -૨ ડેમ ૨૫૭.૨૦, ઉમરીયા ડેમ ૨૮૦.૨૦ અને કબુતરી ડેમ ૧૮૬.૬૦ સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. આ ડેમો જળસગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા સુધી ભરાયા છે અને ભયજનક સપાટીથી થોડેક જ દૂર હોય આસપાસના નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને આ બાબતે સાવધ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારના સાંજના સમયે ઓવરફ્લો થઇ ગયો છે. જ્યારે, અદલવાડા ડેમ ૮૦.૪૭ ટકા અને વાકલેશ્વર ડેમ ૭૦.૧૫ ટકા સુધી ભરાયા છે.
દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વર્ષાને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જિલ્લાના મુખ્ય સાત પૈકી ૫ ડેમ ઓવર ફ્લો થઇ રહ્યાનું સિંચાઇ વિભાગ નોંધી રહ્યું છે. એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા ઠક્કર બાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારે સાંજના સમયે ઓવરફ્લો થયો છે.સિંચાઇ વિભાગની યાદી કહે છે કે, પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી ૧૭૦.૮૪ મિટર ઉપરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકી વીજ, ટૂંક અનોપ, નાંધવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પૂંસરી, દાહોદ કસ્બામાં રહેતાને હેઠળવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.