રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-૨ ડેમ તેની કૂલ સંગ્રહ ક્ષમતાની સામે ૯૧ ટકા ભરાઇ જતાં સિંચાઇ વિભાગ દ્વારા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને હેઠવાસમાં આવતા ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, આજ તા. ૨૩ના રોજ સવારના નવ વાગ્યે કાળી-૨ ડેમની સપાટી ૨૫૫.૯૦ મિટર નોંધાઇ છે. જે કૂલ ક્ષમતાના ૯૧.૮૦ ટકા છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે આ ડેમ પૂર્ણ ક્ષમતાથી ભરાવાના આરે છે. સિંચાઇ વિભાગ દ્વારા ડેમને હાઇએલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે. નીચાળવાળા ગામોને સાવચેત રહેવા સૂચના છે. જેમાં પીપલેટ, વધેલા, માલવાલી, પેથાપૂર, ખાખરિયા, ઘોડિયા, કાકરાકૂવા, દાંતગઢ, બલેડિયા, પાડલિયા ગામના લોકોને સાવચેર રહેવા સૂચના છે. ખાસ કરીને ડેમના હેઠવાસમાં આવેલા ખેતરમાં કે નદીની આસપાસના વિસ્તારમાં જવું નહી. આપત્તકાલિન સ્થિતિમાં ૧૦૭૭ ઉપર ફોન કરવો.