રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ સ્મશાનમાં ગણતરીના દિવસોમાં જ ડિઝલ ભઠ્ઠી નો ધૂમાડો ચીમની દ્વારા ખુલ્લાંમાં ફેલાતો નથી અને બાંધકામ ખખડી ગયું
કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં તા.૯/૨/૨૦૨૦ નાં રોજ એક કરોડ તેર લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ ડિઝલ ભઠ્ઠી નું લોકાર્પણ કાર્યક્રમ રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. કેશોદ શહેર-તાલુકા નાં મૃતકોના પરિવારજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનાં ગાણાં ગાવામાં આવ્યાં હતાં. છ માસનાં ટુંકા ગાળામાં ડિઝલ ભઠ્ઠીમાં નબળી કામગીરી થઈ હોવાનું બહાર આવ્યું છે. કેશોદ શહેરના વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠી જે હોલમાં ફીટ કરવામાં આવેલ છે ત્યાં લાદી બેસી ગયેલી છે, દિવાલોમાં તિરાડો પડી છે અને મૃતકની અંતિમવિધિ કરવામાં આવે ત્યારે ધુમાડો ચીમની દ્વારા હવામાં ફેલાવાને બદલે હોલમાં ગોટાને ગોટા ફેલાતાં ડાધુઓ ને બહાર નીકળી જવું પડે છે. જીવલેણ કે ચેપગ્રસ્ત બિમારી નાં કારણે મૃત્યુ પામેલા ને અંતિમવિધિ કરવામાં આવે ત્યારે ધુમાડો હોલમાં અંદર ફેલાતો હોય જેથી મૃતકના પરિવારજનોને કે સગાં સંબંધીઓને ચેપી રોગ ફેલાશે તો જવાબદારી કોની રહેશે…? કેશોદ નગરપાલિકા દ્વારા અન્ય કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે સ્મશાનમાં દરેક વ્યક્તિને અંતિમ ક્ષણે મૂક્તિ મેળવવા જવાનું નિશ્ચિત છે છતાં કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં એક કરોડ તેર લાખ રૂપિયા જેવી માતબર રકમ વાપરવામાં આવી છે છતાં સરકારી આર્થિક સહાય નિરર્થક ગઈ હોવાનું અને સ્મશાનનાં કામમાં પણ ન છોડતાં હોવાની શહેરમાં ચર્ચા ચાલી રહી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ડિઝલ ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવાનાં મૃતકના સ્વજનો પાસેથી પંદરસો રૂપિયા જેવી રકમ વસુલે છે ત્યારે કેશોદ શહેર-તાલુકા નાં રહિશોને પુરતી સુવિધા ઉપલબ્ધ થતી નથી. કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં લોકાર્પણ કરવામાં આવેલ ડિઝલ ભઠ્ઠી ને છ માસ જેટલો સમય થયો છે ત્યારે સમસ્યાઓ સામે આવવા લાગી છે તો કામ રાખનાર એજન્સી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. અન્ય શહેરોમાં ઈલેક્ટ્રીક અથવા ગેસ થી ચાલતી ભઠ્ઠી લગાવવામાં આવી છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા શા કારણે ડિઝલ ભઠ્ઠી લગાવવામાં આવી એ પણ શંકાસ્પદ જણાય રહ્યું છે. કેશોદ શહેરના વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા સંબધકર્તા અધિકારીઓ અને પદાધિકારીઓ ને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે શું કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ સવાલ ઉભો થયો છે…?