દાહોદ: દેવગઢ બારીયામાં અદ્યતન સાધનોથી સજ્જ મોબાઇલ પશુ દવાખાનાનું મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા લોકાર્પણ કરાયું.

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દેવગઢ બારીયાના ૧૦ ગામોના બિમાર પશુઓને મળશે તાત્કાલિક સારવાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના વધુ ૧૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સારવાર હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત દેવીરામપુરા ગામ ખાતેથી એક મોબાઇલ પશુ દવાખાનાનું આજ રોજ લોકાર્પણ કર્યું છે. આ ૧૦ ગામોના ગ્રામજનો સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ૧૯૬૨ નંબર ડાયલ કરવાથી તાત્કાલીક પશુધન માટે સારવાર મેળવી શકશે.

આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પશુપાલન વ્યવસાય ખીલ્યો છે અને પશુપાલન એ આવકનું એક અગત્યનું સાધન બન્યું છે ત્યારે અમૂલ્ય પશુઘનના જીવનરક્ષણ માટે રાજય સરકાર દ્વારા મોબાઇલ પશુ દવાખાનાની યોજના પશુપાલકો માટે આર્શીવાદ સમાન છે. રાજય સરકારે દરેકે દરેક ગામ સુધી તાત્કાલિક પશુ સારવારની વ્યવસ્થા પહોંચે તે રીતનું આયોજન કર્યું છે. અને તે માટે દસ ગામ દીઠ ફરતા દવાખાનાની યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ મોબાઇલ પશુ દવાખાના જીપીએસ સીસ્ટમથી સજ્જ છે અને તેનું સીધું મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડ પરથી કરવામાં આવે છે. માટે ૧૯૬૨ નંબર ડાયલ કરતા બિમાર પશુઓને ગણતરીની મિનિટોમાં જ સારવાર ઉપલબ્ધ થશે. આ માટે ૧૦૮ ની જેમ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. આ ફરતા પશુદવાખાનામાં નિષ્ણાંત ડોક્ટર, રોગનિદાનના સોનોગ્રાફી વગેરે આધુનિક સાઘનો સહિત ઓપરેશનની પણ સુવિધા ઉપલબ્ધ છે.

જિલ્લા પશુપાલન અધિકારી કમલેશ ગોસાઇએ જણાવ્યું કે, દેવગઢ બારીયાના ૧૦ ગામો જેમાં દેવીરામપુરા, કેળકુવા, બારા, પાણીવાસણ, રાઠવા મુવાડા, મોટી મંગોઇ, નવીબેડી, જુની બેડી, છાસીયા, આમલીપાણી છોત્રા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોમાં ગાય, ભેંસ, બકરા, સહિત પશુઘનની સંખ્યા ૨૧ હજાર જેટલી છે. ઉપરાંત મરઘાંની સંખ્યા ૧૮ હજાર જેટલી છે. આ ગામોમાં પશુઘન સારા એવા પ્રમાણમાં હોય ફરતાં મોબાઇલ પશુ દવાખાના માટે આ ગામ પસંદ કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અંતર, સેનિટાઇઝેશન, ઉકાળા વિતરણ જેવા દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *