બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ આજે તા.૨૦ મી ઓગષ્ટ,૨૦૨૦ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે ભરાતા ચોપડવાવ ડેમ હાલમાં છલકાયો છે. હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.
નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી વધુમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૧૨.૦૫ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.