રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વિના જ વીજ પોલ ઉપર જીવના જોખમે કામ કરતા રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનું કોણ બેલી એ મોટો સવાલ
પાલિકા તંત્ર દ્વારા તેમને કોઈ સુરક્ષાના સાધનો અપાતા નથી કે નથી તેમનો કોઈ વીમો ઉતાર્યો જો અકસ્માતમાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ..??
રાજપીપળા નગર પાલિકામાં કામ કરતા વાયરમેનોને કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો નહિ આપતા જીવના જોખમે આ હંગામી કર્મચારીઓ કામ કરી રહ્યા હોય ગત મંગળવારે પાલીકા પ્રમુખના વોર્ડ ભાટવાડા વિસ્તારમાં વિજયભાઈ વસાવા નામના વાયરમેન પણ કોઈ સુરક્ષા સાધનો વિના થાંભલા પર ચઢી કામ કરતા હતા ત્યાંથી કરંટ લાગતા તે નીચે પટકાતા નીચે પડેલા પથ્થર પર તેમનું માથું પટકાયું જેમાં તેમને માથામાં ગંભીર ઇજા થઇ અને લોહીલુહાણ હાલત માં તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માં ખસેડાતા તેમની પાંસળી માં ફ્રેકચર થયું હોય અને માથામાં ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી રોજમદાર કર્મચારી પગાર માટે વલખા મારે છે જેના કારણે તેમની આર્થિક હાલત ખરાબ છે જ તેવા સમયે આ અકસ્માતમાં ઇજા પામેલ વાયરમેન પણ રોજમદાર કર્મચારી હોય સારવાર માટે પૈસા કયાંથી લાવવા એ પણ એક ગંભીર પ્રશ્ન છે.અગાઉના વર્ષોમાં પણ આજ પ્રકારના અકસ્માત માં અમુક વાયરમેનો ગંભીર રીતે ઘવાયા હોવા છતાં પાલીકા તંત્રને જાણે કર્મચારીઓના જીવની કોઈ કિંમત જ ના હોઈ તેમ તેમને કોઈજ સુરક્ષાના સાધનો અપાતા નથી કે, નથી વાયરમેનોના વીમા ઉતાર્યા માટે જો ક્યારેક આવી ઘટનામાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો એ માટે જવાબદાર કોણ.? એમના પરિવારનું બેલી કોણ..? જેવા અનેક સવાલો આવી ઘટના બાદ ઉઠ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશો બાકી કામગીરી સાથે આ ગંભીર બાબત પણ વિચારે અને કર્મચારીઓના હિતમાં વીમો અને સુરક્ષાના સાધનોની ગોઠવણ કરે તે જરૂરી બન્યું છે.
આ બાબતે શ્રમિક કલ્યાણ સંઘના પ્રમુખ રોહિતભાઈ સોલંકીના જણાવ્યા મુજબ હાલ પાલિકામાં ફરજ બજાવતા રોજમદારો મજબૂરીના માર્યા કામ કરી રહ્યા હોય જેનો લાભ સત્તાધીશો ઉઠાવી રહ્યા છે.પણ જો તેમના બાકી ચાર મહિનાના પગાર આપેલ મુદ્દત સમય દરમિયાન ચુકવવામાં નહીં આવે તો બધા રોજમદાર કર્મચારીઓ ફરી હળતાલ પાડે તો નવાઈ નહીં. ત્યારે સમય આવતા પાલિકાના સત્તાધીશો એમણે કરેલા વાયદાનું કેટલું પાલન કરે છે, એ તો હવે આવનારો સમય જ બતાવશે. બાકી અભી બોલા અભી ફોકની પ્રણાલી વાપરશે તો આવનારા સમય માં ફરી આ કર્મચારીઓ હડતાળ નું શસ્ત્ર ઉગામશે તેમ લાગી રહ્યું છે.