દાહોદ જિલ્લાના ૪૪ ગામો માટે રૂ. ૨૨.૫૭ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર કરાઈ.

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

૪૪ પૈકી ૩૬ ગામોનેમા નર્મદાના નીર ઘર આંગણે મળે તે માટે વોસ્મો દ્વારા થયેલા આયોજનને કલેક્ટરની મંજૂરી

ઘર આંગણે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કનેક્શન દીઠ રૂ. ૧૬ હજારનો ખર્ચ કરાશે

કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં આજે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક દરમિયાન જિલ્લાના ૬ તાલુકાના કુલ મળીને ૪૪ ગામોને પીવાના પાણી માટે નળ કનેક્શનથી જોડવાની યોજનાને મંજૂરી આપી છે. વોસ્મો અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ માટે કુલ રૂ. ૨૨.૫૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કુલ ખર્ચની સાપેક્ષે નળ કનેક્શનની સંખ્યાને ધ્યાને લઇ ગણતરી કરવામાં આવે તો સરકાર દ્વારા કનેક્શન દીઠ રૂ. ૧૬ હજારનો ખર્ચ કરશે.આ બેઠકમાં રજૂ થયેલી વિગતો જોઇએ તો દેવગઢ બારિયા તાલુકાના આમલીપાની છોતરા, દેગાવાડ, આમલી ઝોઝ, કાલિયા કૂવા, મેઘા મહુડી, નાની ઝરી, સિંગુર, ખાંડણિયા, જૂના બારિયા, કાકલપુર, વીરોલ, ઝાબિયા, ભૂવાલ, રાઠવાના મુવાડા, હિંદોલિયા, સિંગવડના મલેકપુર અને પીપલિયા આરનો સમાવેશ થાય છે.એ જ પ્રકારે ધાનપુર તાલુકાના ધનાર પાટિયા, ઘોડાઝર, કણઝર, સીમામોઇ, લાડવાવડ, અલિન્દરા, ભૂવેરો, પીપરગોટા, ગુમલી, ડુમકા, કોટુંબી, નાની મલુ, ઉમરિયા, વાંસિયા ડુંગરી, રૈયાવણ, વાંકોટા, દૂધામલી, મંડોર, ફતેપુરા તાલુકાના ઝેર અને નાની રેલ, દાહોદ તાલુકાના ધામરડા, ડુંગરપુર, મંડાવાવ, નાની લછેલી અને લીમખેડા તાલુકાના નાની વાસવાણીનો સમાવેશ થાય છે. આ ૪૪ પૈકી ૩૬ ગામોને હાંફેશ્વર યોજનામાંથી પાણી મળવાનું છે. એટલે કે, આ ૩૬ ગામોમાં માં નર્મદાના નીર પહોંચશે.

આજે મંજૂર કરવામાં આવેલી ૪૪ ગામોની પાણી પુરવઠા યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત જલ સે નલ યોજના અંતર્ગત છે. ગામોને પાણી પહોંચાડવા માટે વાસ્મો દ્વારા રૂ. ૧૩૨૫.૩૭ લાખ અને પાણી પુરવઠા દ્વારા રૂ. ૯૩૨.૩૭ લાખ મળી કુલ ૨૨.૫૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમાં ૧૪૧૧૧ ઘરોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે, ૧૪૧૧૧ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવશે. તે બાબત ધ્યાને લઇ ગણતરી કરવામાં આવે તો સરકાર દ્વારા ઘર દીઠ રૂ. ૧૬ હજારનો ખર્ચ કરશે.આ ઉપરાંત ધાનપુર તાલુકાના ભોરવા અને લીમખેડા તાલુકાના પાડા ગામની રિવાઇઝ્ડ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં હાલમાં વોસ્મો દ્વારા કુલ ૧૧૫ પાણી પુરવઠા યોજના પ્રગતિ હેઠળ છે. જે પૈકી ૯ યોજનામાં માત્ર ૧૦ ટકા જ બાકી છે. ૧૦ યોજનામાં વીજ જોડાણ બાકી છે. એવી વિગતો આ બેઠકમાં રજૂ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *