પાટણ: સિધ્ધપુરની આગવી ઓળખ ધરાવતું ૧૧૩ વર્ષ જૂનું લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલય.

Latest Patan
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર

સિધ્ધપુરનું લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલયની સ્થાપના ઈ.સ.૧૯૦૭ માં થઈ હતી , અને હાલ માં આ પુસ્તકાલયને સરકારી તાલુકા પુસ્તકાલય તરીકે ઓળખાય છે. જેની સ્થાપના ૧૨/૧૨/૨૦૦૦ માં થઈ હતી. પહેલા આ પુસ્તકાલયનું મકાન મજૂર મહાજનના ભાડાના મકાનમાં કાર્યરત હતું. પહેલા આ પુસ્તકાલયનું મકાન પૌરાણીક પદ્ધતિથી બનાવેલું હતું. સયાજી રાવ ગાયકવાડના સમય પહેલાનું બાંધકામ ધરાવતું મકાન હતું. લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલયનું મકાન જર્જરીત હોઈ પડી જતાં આ લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલયના ટ્રસ્ટીઓ ત્યારના સિધ્ધપુરના તત્કાલીન ધારાસભ્ય જયનારાયણ વ્યાસને વિનંતી કરતા સદર પુસ્તકાલય ગુજરાત સરકારને સોંપવામાં આવેલ જે અંતર્ગત જયનારાયણ વ્યાસના શુભહસ્તે સરકારી પુસ્તકાલયના નવીન મકાનના બાંધકામ અંગેનું ખાતમુહૂર્ત તારીખ – ૨૦/૦૨/૨૦૧૧ ના રોજ કરવામાં આવેલ. જેમાં જયનારાયણ વ્યાસના ઘનિષ્ઠ પ્રયત્નોથી ખુબજ થોડા સમયમાં સરકારી તાલુકા પુસ્તકાલય સિધ્ધપુર ના નવીન મકાનનું કામ સંપૂર્ણ થયેલ જે અંદાજીત રૂ. ૨ કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું કોમ્પ્યુટર રાઈઝ તાલુકા પુસ્તકાલય સિધ્ધપુર માં મંડી બજાર ખાતે તારીખ – ૨૭ જુલાઈ ૨૦૧૨ ના રોજ તત્કાલીન રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી ફકીર ભાઈ વાઘેલા અને તે સમયના સિધ્ધપુરના ધારાસભ્ય જયનારાયણ વ્યાસ ના વરદ્ હસ્તે લોકાર્પણ કરેલ. આ તાલુકા પુસ્તકાલય અને લ.સું.સાર્વજનીક પુસ્તકાલયમાં કુલ મળી અંદાજીત ૨૫ હજારથી વધુ પુસ્તકો સિધ્ધપુરની જનતા માટે જ્ઞાનનો ખજાનો બનેલ છે. જેમાં સરકારી તાલુકા પુસ્તકાલય સિધ્ધપુરના કુલ પુસ્તકો આ રીતે છે. ગુજરાતી – ૧૦૨૨૧ , હિન્દી – ૧૩૨૭ , અંગ્રેજી – ૨૧૨૨ , ઉર્દુ – ૦૫ કુલ – ૧૩૬૭૮ અને બાળ સાહિત્ય – ૫૫૦૦ થી વધુ પુસ્તકોનું સાહિત્ય ધરાવે છે.

હાલમાં આ ગ્રંથાલયના ગ્રંથપાલ તરીકે અંબાલાલ પટેલ અને અંશકાલીન કર્મચારીઓની સંખ્યા – ૨ છે. જે એ ગ્રંથાલયને જોતા અપુરતો સ્ટાફ જણાવેલ છે. સમગ્ર સિધ્ધપુર તાલુકામાં કુલ ૫૧ ગ્રંથાલયો તાલુકા પુસ્તકાલયના હસ્તકમાં છે. જે પૈકી ૩૫ ગ્રામ ગ્રંથાલયો કાર્યરત છે અને ૧૬ ગ્રંથાલયો કેટલાક સમયથી નિષ્ક્રિય હાલતમાં છે. આ બાબતે લ.સું. સાર્વજનીક પુસ્તકાલયના ગ્રંથપાલ અંબાલાલ પટેલે નિષ્ક્રિય ગ્રંથાલયોને સક્રિય કરવા જરૂરી સૂચનાઓ રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ સચિવાલય ગાંધીનગરમાં માહિતી પૂરી પાડી છે.

આખા ગુજરાતમાં સૌપ્રથમ કોમ્પ્યુટર દ્વારા પુસ્તકો ઈસ્યુ કરવામાં આવે છે. ગુજરાત સરકારના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ૩૫૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓ ની કારકિર્દી ઘડવામાં ખૂબ જ અગત્યનો ફાળો આવે છે. આ પુસ્તકાલયમાં ૧૨ સભ્યો , ૩૫૦ સભાસદો અને જનરલ સભ્યો ની સંખ્યા ૧૨૬૧ છે. અહીં દરરોજ ૨૫૦ થી વધુ પુસ્તકોની એન્ટ્રી ઈસ્યુ થાય છે અને ૪૦ જેટલા સમાઈકો અને ૧૦ જેટલા દૈનિક પેપરો આવે છે. આ પુસ્તકાલયમાં અતિપ્રાચીન વેદ , પુરાણ , સાંખ્ય શાસ્ત્ર તથા બ્રાહ્મણોના પવિત્ર ગ્રંથ ઔદિચ્ય પ્રકાસ , શ્રી સ્થળ પ્રકાસ , શ્રીમદ્ ભાગવત , સિધ્ધપુરની ઐતિહાસીક માહિતી જેવા અતિદુર્લભ ગ્રંથો છે. જેનો લાભ લેવા ભારતમાંથી મધ્યપ્રદેશ , રાજસ્થાન , ગુજરાત વગેરે પ્રદેશમાંથી ઐતિહાસીક ગૌત્ર , શાખા , વેદ , પ્રવર વગેરે વિષયોની માહિતી લેવા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો અહીં આવતા હોય છે. માતા સરસ્વતીની ગોદમાં બિરાજમાન લ.સું. પુસ્તકાલયનો લાભ લેવોએ અમૂલ્ય લ્હાવો છે. આ પુસ્તકાલયના ગ્રંથપાલ અંબાલાલ પટેલના સુંદર આયોજનથી ગ્રંથ સપ્તાહની ઉજવણી અંગેના કાર્યક્રમો થકી આ તાલુકા પુસ્તકાલય સિધ્ધપુરની જનતા માટે પ્રેરણાનું પરબ બનેલ છે. માતૃગયા માટેનું સમગ્ર વિશ્વભરનું આધ્યાત્મિક નગરી સિધ્ધપુર માટે આ તાલુકા પુસ્તકાલય સાથે જ સમગ્ર બ્રાહ્મણો અને કર્મકાંડી માટે આસ્થા તેમજ શ્રધ્ધા નું કેન્દ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *