રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતીના પાકોને નવજીવન મળ્યું છે. ભારે ઉકળાટ, ગરમી બાદ લાંબા સમયે જિલ્લામાં વરસાદનું આગમન થતાં ધરતી પુત્રોની સાથે જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. ખુબ લાંબા અંતરાય બાદ જિલ્લામાં વરસાદના આગમનથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતી માટે સારો વરસાદ થતાં ધરતી પુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી છે. જે પાક પાણી વિના મુરઝાઇ રહ્યો હતો તે પાકને વરસાદી પાણી મળવાથી તે નવપલ્વીત થયો છે. વરસાદી પાણીના સ્પર્શથી ધરતી પર જાણે લીલી ચાદર પથરાઇ હોય તેમ તેની સુંદરતામાં વધારો થતાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે.
