ખેડા તાલુકાના ગોવિંદપુરા ગામે ટમેટા લેવા ગયેલા રઢુના મજૂરોની ટ્રક પલ્ટી ખાતા ૧૦થી વધુ મજૂરો દબાઇ ગયા હતા.ઘાયલ થયેલા મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રઢુ ગામના ૧૨ મજૂરો ટામેટા વિણવા માટે ગોવિંદપુરા ગામે ગયા હતા.જ્યાંથી ટામેટા ટ્રકમાં ભરી પરત રઢુ જઇ રહ્યા હતા. આ મજૂરો ગોવિંદપુરાથી દાંડી માર્ગે થઇ રઢુ જઇ રહ્યા હતા.આ સમયે વાસણાબુઝર્ગ ગામે કોઇ કારણોસર ટ્રક પલ્ટી ખાઇ હતી.જેને કારણે ટ્રકમાં સવાર મજૂરો ટ્રક નીચે દબાઇ ગયા હતા. જેમાથી ૧૦ શ્રમિકોને શરીરે ઇજાઓ પહોચી હતી. જ્યારે બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.એકબીજાની મદદથી આ તમામ મજૂરો ટ્રક નીચેથી બહાર નીકળી શક્યા હતા.આ બાદ ખેડા અને બારેજાની ૧૦૮ ટીમ દ્વારા આ તમામ શ્રમિકોને ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાંના તબીબના જણાવ્યા અનુસાર તમામ શ્રમિકોને સામાન્ય ઇજાઓ પહોચી છે કોઇ ગંભીર નથી.