બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર),ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ માધવસિંહ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના સદસ્ય ધારસિહ વસાવા, દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપકભાઈ બારીયા, મદદનીશ આદિજાતિ વિકાસ કમિશ્નનર સુરેશભાઈ ગરાસીયા ઉપરાંત વરિષ્ઠ પદાધિકારીઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં દેડીયાપાડાની સરકારી કન્યા છાત્રાલય (ડ્રાય હોસ્ટેલ) આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂા.૨૨.૩૪ કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત દેડીયાપાડાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને નવનિર્મિત મોડેલ સ્કુલ-હોસ્ટેલ બિલ્ડિંગ સહિત સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું, જેમાં ૭૮૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.
રાજ્યકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી ( કુમાર) એ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે આદિવાસી સમાજ માટે વનબંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, જંગલ અને જમીન, સિંચાઈ અને “નલ સે જલ” જેવી અનેક યોજનાઓની સાથે ટ્રાયબલ યુનિવર્સિટી પણ આદિવાસી સમાજ માટે આ સરકારે પુરી પાડી છે. નોવેલ કોરોનાની મહામારીને લઈને અન્ય ઉત્સવો બંધ કર્યા છે, ત્યારે સરકાર દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતુ.વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ સંકલ્પ કર્યો હતો કે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવા માટે છેવાડાના લોકો સુધી વિકાસ થાય તો જ સાચો વિકાસ કર્યો કહેવાય. આજે આદિવાસી લોકોનો પણ વિકાસ થયો છે અને તે જ કામ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલ કરી રહ્યાં છે.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,નોવેલ કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સાદાઇથી કરવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે આજે સમગ્ર દેશ અને વિશ્વમાં અલગ અલગ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ટકાવી રાખવા અને સંગઠીત થઇને સમાજનો વિકાસ કરવાનું કામ સૌને ભેગા મળીને કરવાની તેમણે હિમાયત કરી હતી. વધુમાં વસાવાએ ઉમેર્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે તેની સાથોસાથ પંચવર્ષિય યોજના થકી સરકારની યોજના જન જન સુધી પહોંચી છે અને તેનો લાભ સૌને મળી રહ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી થકી આદિવાસી જિલ્લાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં પણ સ્કુલો, દવાખાના તેમજ સિંચાઇ અને રોડ રસ્તાઓના કામો પણ કરવામાં આવ્યા છે.તેની સાથોસાથ જરૂરિયાતમંદ લોકોને રાજ્યના મુખ્યમંત્રી અને આદિવાસી કલ્યાણમંત્રી ગણપણભાઇ વસાવાના પ્રયત્ન થકી વન અધિકાર અધિનિયમ હેઠળ “ આદેશ પત્રો”નું વિતરણ કરવામાં આવ્યુ છે. તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરનાર આદિવાસી સમાજની તેજસ્વી પ્રતિભાઓને પ્રશસ્તિપત્રો એનાયત કરીને આજે બહુમાન કરાયું છે. આદિવાસી સમાજને જાગૃત્ત થઇને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની તેમણે હિમાયત કરી હતી.