રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વર્તમાન સમયમાં કોરોનાના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જોકે માંડલ સ્થાનિકમાં છેલ્લા પંદર વીસ દિવસથી કોરોનાના કેસમાં એકદમ ઘટાડો જોવા મળ્યો છે અને હવે હર્ડ ઇમ્યુનિટી સીસ્ટમ બનતી જાય છે. જોકે હજુ કોરોના વાઈરસ શાંત પડ્યો નથી જેથી બેદરકારી રાખવી એ કોઈ મોટા નુકસાનમાં પણ ઉતારી શકે છે. સરકાર દ્વારા વારંવાર સાબુ અથવા સેનિટાઈઝરથી હાથ ધોવા,માસ્ક ફરજિયાત પહેરો,કામ સિવાય બહાર ના નીકળવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થવું જોઈએ. જોકે હવે સાતમ આઠમના તહેવારો પણ નજીક છે અને રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગસ્ટ પણ આવી રહી છે ત્યારે માંડલમાં ધ્વજવંદન કાર્યક્રમને લઈને માંડલ મામલતદાર કચેરીમાં આગામી ૧૫ મી ઓગસ્ટને લઈને બેઠક યોજાઇ હતી જેમાં માંડલ મામલતદાર જી.એસ.ગૌસ્વામી, માંડલ તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા, માંડલ પોલીસ સ્ટેશનના કર્મચારી, આરોગ્ય તંત્ર ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નક્કી કરાયું હતું કે, આગામી ૧૫મી ઓગષ્ટના રોજ સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીને ફક્ત માંડલ મામલતદાર કચેરી તેમજ માંડલ ગ્રામ પંચાયત ખાતે જ ધ્વજવંદન કરવામાં આવશે, તેમજ વધારાના કોઈ કાર્યક્રમો પણ કરવાના નથી કોઈ શાળા કોલેજોમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની નથી.