સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર તાલુકાના જમીયતપુરા ગામમાંથી વિચીત્ર અને કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તરબુચ ખાધા બાદ ઇંટોના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક પરિવારને ખોરાકીઝેરની અસર થઇ હતી અને બે દિવસની સારવાર બાદ પરિવારના બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે મૃતક બન્ને બાળકોના વિશેરા લઇને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
હાલની લોકડાઉનની સ્થિતિમાં પણ ફુડપોઇઝનીંગનો કિસ્સો સામે આવ્યો છે એટલુ જ નહીં, ફુડપોઇઝનીંગના કારણે બે બાળકોના કરૂણ મોત પણ આ દુઃખદ ઘટનામાં બન્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર તાલુકામાં આવેલા જમીયતપુરા ગામમાં ઇંટોના ભઠ્ઠા વિસ્તારમાં એક વર્મા પરિવાર રહેતું હતું. તા.૧૧મીએ આ પરિવારે તરબુચ ખાધું હતું અને ત્યાર બાદ પરિવારના પતિ-પત્નિ અને પાંચ વર્ષના યુવરાજ તથા ત્રણ વર્ષની કાવ્યાની તબીયત બગડી હતી. સતત ઝાડા-ઉલ્ટી થવાને કારણે આ ચારેય ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ આ વર્મા પરિવારના યુવરાજ અને કાવ્યા બન્ને બાળકોનું આજે કરૂણ મોત નિપજ્યું હતું. ખોરાકીઝેરની ઘટનામાં બે બાળકોના મોતની ઘટનાનો ખ્યાલ આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું હતું અને મોતનું ચોક્કસ કારણ શોધવાના પ્રયત્નમાં લાગી ગયું હતું.