રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯ થી “ગુજરાત યોગ બોર્ડ” ની રચના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. જે અંતર્ગત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૬ યોગ કોચને તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પામેલ યોગ કોચ દ્રારા સમગ્ર રાજય માંથી ૫૦૦૦ થી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવેલ છે.
જે પૈકી ગીર સોમનાથ ૪ યોગ કોચ દ્વારા ૧૬ યોગ ટ્રેનરોને તાલીમ પ્રદાન કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના યોગ કોચ અને ટ્રેનરોને ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે વીડિયો કોંફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સર્વે ને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત યોગ બોર્ડના સહયોગથી કલેકટર અજયપ્રકાશ દ્વારા યોગ કોચ અને ટ્રેનરને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગીર સોમનાથ ગુજરાત યોગ બોર્ડના સભ્ય હિરણ સિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.