બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઈ પટણી, નાંદોદના ધારાસભ્યપી.ડી.વસાવા, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વસાવા, ભરૂચના સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડો. શશી કુમાર, જિલ્લા કલેકટ મનોજ કોઠારી, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર અને પ્રતિક પંડ્યા સહિત વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સહિત વરિષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે ૭૧ મા વન મહોત્સવની ઉજવણીનો જિલ્લાકક્ષાના યોજાયેલા વન મહોત્સવના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઈ પટણીએ જિલ્લાકક્ષાના આ વન મહોત્સવને ખૂલ્લો મુકતા જણાવ્યું હતું કે, વન મહોત્સવની શરૂઆત ૧૯૫૦ ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શી દ્વારા કરવામાં આવી હતી, અને પર્યાવરણની બાબતમાં તેઓશ્રીએ અતિ મહત્વનું કાર્ય કર્યુ છે, ત્યારે જનભાગીદારી થકી વૃક્ષારોપણની કામગીરી કરીને પર્યાવરણની જાળવણી થકી સ્વચ્છ હવા મેળવવાની સૌ કોઇને સામૂહિક જવાબદારી નિભાવવાની તેમણે હિમાયત કરી હતી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણે સૌએ આવનારી પેઢી માટે પણ પર્યાવરણની જાળવણી કરવી પડશે તેમજ વર્ષ ૨૦૦૪ મા ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદી હતા ત્યારે ગુજરાત- દેશને હરિયાળુ બનાવવામાં એક ક્રાંતિકારી પગલું જનહિત માટે ભર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં શાંતિવન ઉભુ કર્યું છે, જે આપણા માટે ગૌરવની વાત કહી શકાય. તેમાંથી આપણે પણ વૃક્ષારોપણની પ્રેરણા લેવી જોઈએ તેમજ જાતિ-ભેદભાવથી દુર રહીને સંસ્કૃતિ-પર્યાવરણનું જતન કરવાની સાથોસાથ નદીના કોતરો કે કિનારાની જમીન ઉપર રોજી રોટી કમાવવાની સાથોસાથ ફાસલ પડેલી જમીન ઉપર વનનો વિકાસ કરવામાં આવે તો દુનિયાના દેશોમાં એક નવી ક્રાંતિ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે, ઇ.સ. ૧૯૫૦ માં શ્રી કનૈયાલાલ મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરીને પર્યાવરણ સુધારણાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે. જેની ઉજવણી દર વર્ષે કરવામાં આવી રહી છે, તેથી આપણે સમજી શકીએ વનોનું મહત્વ ઘણું જ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સામાજીક વનીકરણ વિભાગ દ્વારા સારી કામગીરી થઇ રહી છે, ત્યારે તેમાં વધુ લોકભાગીદારી થકી જો કાર્ય કરવામાં આવે તો વન મહોત્સવની ઉજવણીને વધુ સાર્થક થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વસાવા, ભરૂચના સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડો. શશી કુમાર અને નાયબ વન સંરક્ષક પ્રતિક.પંડ્યાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં.આ પ્રસંગે ચેરમેનશ્રી લક્ષ્મણભાઈ પટણી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને દવા છાંટવાનો પંપ, નિર્ધૂમ ચુલા, આંબા કલમ, તાડપત્રી વગેરે જેવી સાધન સહાય કિટસ એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું. તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૨૫૦ લાભાર્થીઓને દવા છાંટવાના પંપ, નિર્ધૂમ ચુલા, આંબા કલમ, તાડપત્રી વગેરે જેવી સાધન સહાય કિટસ તેની સાથોસાથ ૧૭૦ લાભાર્થીઓને કુલ ૪.૨૫ લાખના નિર્ધૂમ ચુલાનું વિતરણ કરાયું હતું.