રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેકટર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે “ બેટી બચાવો- બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની ટાસ્ક ફોર્સ સમિતિની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૦-૨૧ નાં વર્ષ માટે મંજુર થયેલ એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવાની સાથે કોઠારીએ તેના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલિયમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, મહિલા અને બાળ અધિકારી તેમજ સમિતિના સભ્ય સચિવ હસીનાબેન મન્સુરી, ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડૉ. વિનોદ કૌશિક ઉપરાંત શિક્ષણ, બાળ સુરક્ષા વગેરે જેવા સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીઓ અને સમિતિના અન્ય સદસ્યઓની ઉપસ્થિતમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ નર્મદા જિલ્લામાં “બેટી બચાવો- બેટી પઢાવો અંતર્ગત સ્ત્રી જાતિ જન્મદરમાં વૃદ્ધિની સાથે દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં લોકજાગૃત્તિ માટે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસ મહામારીને લગતા નિયંત્રણો લક્ષમાં લઈને પ્રચારના શક્ય તે તમામ માધ્યમોનાં મહત્તમ ઉપયોગ થકી વ્યાપક પ્રચાર- પ્રસાર સાથે તેનું અસરકારક અમલીકરણ થાય તે જોવાનો તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ જિલ્લામાં પી.સી અને પી.એન.ડી.ટી એક્ટની જોગવાઈઓના સઘન અમલીકરણ થકી સ્ત્રી જન્મદરમાં વધારો થાય તે જોવાની સાથે ઉક્ત કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરના સખ્તાઇપૂર્વકનાં પગલાં ભરવાં જિલ્લા આરોગ્યતંત્રને ખાસ હિમાયત કરી હતી.