રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે શિક્ષણ, મહિલા અને બાલ કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને તથા સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જયાં ૧૧૧૧ રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાનન કરાવવામાં આવ્યું હતું. ૭૧માં વન મહોત્સવને ખુલ્લો મુકતા રાજયમંત્રીએ જણાવ્યું હતું કે વૃક્ષનું જતનએ યજ્ઞ સમાન છે. હરિયાળું વન એ તમામ પશુ પક્ષી તથા માનવ જીવન માટે અનેકરૂપે લાભદાયી છે. આજે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં હરિયાળા જિલ્લાઓમાં અગ્રીમ પંક્તિમાં છે તેનું કારણ સરકારના આવા વન મહોત્સવ જેવા કાર્યક્રમો છે. ત્યારબાદ મંત્રીએ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી હરીયાળું ગુજરાત, હરિયાળું ભાવનગર બનાવવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા સૌને સહભાગી થવા અપીલ કરી હતી અને ઉમેર્યું હતું કે વન મહોત્સવની ઉજવણી સાથે વૃક્ષોની માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. તો જ સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે.
વધુ માહિતી આપતા અધિક અગ્ર અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.પી.સીસોદીયાએ જણાવ્યું હતું કે સને ૨૦૨૧-૨૨નાં વર્ષ માટે સામાજીક વનીકરણ વિભાગ બોટાદને કુલ ૨૯.૦૦ લાખ રોપા ઉછેરનો લક્ષ્યાંક ફાળવણી કરવામાં આવેલ. જેમાંથી ૧૪.૬૩ લાખ ખાતાકિય નર્સરીમાં તેમજ ડી.સી.પી. નર્સરીમાં ૫.૧૦ લાખ રોપાઓ ઉછેર કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં વન વિભાગની ખાતાકિય તેમજ ડી.સી.પી. નર્સરીમાં ૩૩.૭૭ લાખ રોપા ઉછેર કરેલ. જેમાંથી ખેડુતો, શાળાઓ, ગ્રામ પંચાયત તથા અન્ય સરકારી/બિન સરકારી સંસ્થાઓને કુલ ૩૧.૦૪ લાખ રોપા વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ ૨.૭૩ લાખ રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં મંત્રી તથા મહાનુભવો દ્વારા કોરોનાપ્રતિરોધક ઔષધિય વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતું અને સમઢીયાળા ગૌ-શાળા ખાતે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરૂપૂજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જયારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત થનાર મહેમાનોનું થર્મલ ગનથી શરીરનું તાપમાન, ઓક્સીમીટરથી શરીરમાં રહેલા ઓક્સિજનની માત્રાની તપાસ તેમજ હેન્ડ સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી તેમજ આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું.