નર્મદાના રામ ભક્ત ખેડૂતે ગલગોટાની ખેતીમાં લખ્યું “જય શ્રી રામ”..

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રામ મંદિરના નિર્માણની સાથે નર્મદાના ખેડૂતની ખેતી રામ ભક્તિ લોકો માટે યાદગાર બની છે. ગલગોટાના ફૂલ શ્રી રામના ચરણમાં ચઢે કે મંદિરના કામ આવે એવી ઈચ્છા ખેડૂતે વ્યક્ત કરી.. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ વખતે ખેડૂતે પોતાના ખેતરમાં ગલગોટાથી “મોદી” લખ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ મી ઓગષ્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરી શિલાન્યાસ કર્યું છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય યાદગાર બની રહે એ માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપૂત સમાજના રામ ભક્ત ખેડૂતે અનોખી રીતે પોતાની રામ ભક્તિના દર્શન કરાવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજથી ૨ વર્ષ અગાઉ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ કાર્ય થયું ત્યારે પણ એમણે પોતાના ખેતરમાં ગલગોટાથી “મોદી” લખ્યું હતું, જે ઘણા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

નર્મદા જિલ્લાના સમારીયા ગામના રામભક્ત ખેડૂત ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે પોતાના ખેતરમાં ગલગોટા ફૂલની ખેતી કરી જય શ્રી રામ લખ્યું છે સાથે સાથે એ જ રીતે શ્રી રામનું ધનુષબાણ પણ બનાવ્યું છે. જ્યારથી રામ મંદિરનો ચુકાદો આવ્યો અને મંદિર બનવાની વાત આવી ત્યારથી ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ ગોહિલે ખેતરમાં ગલગોટાથી શ્રી રામ લખવાનું વિચાર્યું. બે મહિના પહેલા નવા વાવેતરમાં વાવેલા ગલગોટાના છોડમાં એકદમ સ્પષ્ટ રીતે “જય શ્રી રામ” ઉપસી આવ્યું છે. ૫ મી ઓગષ્ટના દિવસે આયોધ્યામાં રામ મંદિરનું ખાતમુહુર્ત છે તો બીજી બાજુ રામ ભક્ત ખેડૂતનો ઉત્સાહ પણ એટલો જ વધી રહ્યો છે. એમણે જણાવ્યું કે એક દિવસ મારા ખેતરના ફૂલ આયોધ્યા મંદિરમાં શોભા બને ભગવાનના ચરણમાં ચઢે એવી મારી ઈચ્છા છે. રામ મંદિરના નિર્માણ કાર્યની સાથે નર્મદા જિલ્લાના ખેડૂતની ખેતી સાથે રામ ભક્તિ લોકો માટે યાદગાર બની રહેશે. આ બાબતે ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારા અઢી એકરના ખેતરમાં ૨૦૦ x ૪૦ ના પ્લોટ માં જય શ્રી રામ લખ્યું છે, અને ૧૦૦ x ૪૦ ના પ્લોટમાં શ્રી રામ ભગવાનનું ધનુષબાણ બનાવ્યું છે.હાલતો ગલગોટાના રોપા નાના છે.પણ ૪૦-૫૦ દિવસ બાદ જયારે ફૂલ લાગશે ત્યારે પીળા અને લાલ ગલગોટાથી સરસ દેખાશે, ગલગોટાના ફૂલ અયોધ્યા જાય અને શ્રી રામ ભગવાનના ચરણમાં ચઢે કે મંદિરના સુશોભનમાં કામ આવે એવી ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *