નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે કોવીડ-૧૯ સંદર્ભે રાજપીપલા કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રશાસન સાથે સમીક્ષા બેઠક કરી હતી.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ. જે. હૈદરે કેવડીયા કોલોનીના સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ, વન અને આરોગ્ય સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા

નોવેલ કોરોના વાયરસ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ૩૦૦ સુધીની અને કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦૦ સુધીની દર્દીઓ માટેની પથારીની સુવિધા ક્ષમતા વધારવા જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરનો અનુરોધ

ગુજરાત માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદરે તાજેતરમાં તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેકટરાલય ખાતે કોવિડ-૧૯ મહામારીને અનુલક્ષીને કોરોના વાયરસના સંક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા આરોગ્યતંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે તેમજ કેવડીયા કોલોની સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ,આરોગ્ય વિભાગ, વન વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે અલાયદી બેઠકો યોજીને જિલ્લામાં કોરોના વાયરસ અંગે પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરીને તેઓશ્રીએ વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે કેટલાક સૂચનો અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલિયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, પ્રાયોજના વહીવટદાર બી.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર. એસ. કશ્યપ તેમજ કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના સભ્યઓ સાથે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતાં જિલ્લા પ્રભારી સચિવ હૈદરે જિલ્લામાં કોવિડ-૧૯ કોરોના વાયરસના પોઝિટિવ દરદીઓની સંખ્યાને અનુલક્ષીને રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં હાલની ૧૭૦ ની પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ ૩૦૦ સુધી વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં પણ હાલની ૨૦૦ પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ વધારીને ૧૦૦૦ પથારી સુધી સુવિધા ક્ષમતા ઉપલબ્ધ થાય તે જોવા પણ તેમણે ખાસ ભાર મુકયો હતો. જે સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં ૩૦ પથારી તેમજ બીજા અને ત્રીજા તબક્કામાં ૫૦-૫૦ પથારીની સુવિધા ક્ષમતા વધારીને કુલ-૩૦૦ સુધીની પથારીની સુવિધા ક્ષમતા વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં વધુ ૩૦૦ પથારી અને બીજા તબક્કામાં વધુ ૫૦૦ પથારીની સુવિધા સાથે કુલ-૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન હાથ ધરીને તે દિશાની કામગીરી આરંભી દેવામાં આવી છે. જિલ્લામાં હાલમાં સંબંધિત વિભાગોના નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ ન હોય તેવા તબીબોની સેવાઓ આઈ.એમ.એ વડોદરાની શાખા મારફત ઉપલબ્ધ થાય તે જોવાની પણ હૈદરે હિમાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *