બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
વ્હાલી દિકરી યોજના અંતર્ગત જિલ્લાની નાદોદ અને ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી બહેનોને સન્માનિત કરાઈ
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર અને નાદોદ તાલુકાની આઈ. સી. ડી. એસ કચેરી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે “દીકરી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી પ્રિતેશભાઇ વસાવાના હસ્તે દીકરી દિવસ ઉજવણી નિમિત્તે જે આંગણવાડી બહેનોએ એ.એન.સી મોનીટરીંગ, વ્હાલી દિકરી યોજના અને કોવીડ-૧૯ અંતર્ગત સારી કામગીરી કરેલ હોય તેવા નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી બહેનોને પ્રોત્સાહન રૂપે ટિફિન બોક્સ , વોટર બોટલ અને હેન્ડબેગ કીટ આપીને સન્માનિત કરાઈ હતી. તેમજ બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દિકરી યોજનાની માહિતી પણ આપી હતી.
વધુમાં પેમ્પ્લેટ દ્વારા યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને તેમજ ડોર ટુ ડોર જઈને લોકોને બેટી બચાવો બેટી પઢાવો , વ્હાલી દીકરી યોજના વગેરે જેવી જુદી જુદી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો અને કર્મચારીઓ દ્વારા વેબીનાર નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે સખી વન સ્ટોપ સેન્ટર,મહિલા શક્તિ કેન્દ્ર પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓએ દીકરી દિવસ ની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.