રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા તાલુકાના તરસંગ ગામ ખાતે વર્ષોની પરંપરાગત મહેશ્વરી માતાજીના મંદિરે ભરાતો જન્માષ્ટમીનો મેળો પ્રથમ વખત ન ભરવાનો નિર્ણય ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા લેવામાં આવ્યો હતો. જિલ્લામાં એકમાત્ર માતાજીનુ મંદિર છે કે જ્યાં જન્માષ્ટમીનો વર્ષોથી મેળો ભરાતો હતો.
શહેરા તાલુકાના તરસંગ ખાતે ડુંગર પર બિરાજમાન મહેશ્વરી માતાજીના મંદિર ખાતે વર્ષોની પરંપરાગત જન્માષ્ટમીના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવતું હોય છે. જ્યારે આ વખતે તાલુકામાં કોરોના નું સંક્રમણ વધતું જતું હોવાથી ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદ સોલંકી અને ગામના અગ્રણી તખતસિંહ રવસિંહ સોલંકી ની અધ્યક્ષતા માં ગામના જાગૃત નાગરિકો સાથે એક બેઠક મળી હતી.જેમાં પૌરાણિક મહેશ્વરી માતાજીના મંદિર ખાતે જન્માષ્ટમીનો મેળો નહિ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેશ્વરી માતાજીના મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવા સાથે કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરી રહયા છે. સમગ્ર જિલ્લામાં એક માત્ર માતાજીના મંદિર ખાતે જન્માષ્ટમીનો મેળો ભરાતો હોવાનું માઇભકતો જણાવી રહયા છે. મહેશ્વરી માતાજીના દર્શને શ્રાવણ માસમાં અને આમ દિવસોમાં પણ માઈ ભક્તો ની અવરજવર મંદિર ખાતે શરૂ રહેતી હોય છે. અહી માઇ ભકતો દર્શન કરી મનમાં લીધેલ અનેક બાધાઓ પુરી થતી હોય છે. આ મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે.