રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
વહેલી સવારે જ ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા નર્મદા એલસીબી પોલીસે રેડ પાડતા મોટા પ્રમાણમાં ધમધમતો દેશી દારૂની ભઠ્ઠીનો વેપાર સામે આવ્યો.
દેશી દારૂના વેપલા માટે નાંદોદ તાલુકાના કરજણ ડેમ પાસે આવેલ બારફળિયા (જીતનગર) માં ઠેરઠેર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની જાણ નર્મદા પોલીસ વડા હિમકરસિંહને થતા નર્મદા એલસીબી પોલીસને આ બાબતે સૂચના આપી બૂટલેગરો પર લગામ લગાવવા સૂચના આપી હતી. જેમાં વહેલી સવારથી જ કરજણ ડેમ તરફે બારફળિયા તરફ ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સ્ટાફ એક સાથે ચાર ચાર દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ સાથે ભય ફેલાયો હતો.
નર્મદા એલસીબી પોલીસે કરજણ ડેમ પાસે કોતરવાડા વિસ્તારમાં પાણીના ઝરણા પાસે ધમધમતી દારૂની ભઠ્ઠીઓનો સફાયો બોલાવી દીધો હતો. સવારથી જ ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા દારૂની ભઠ્ઠીઓનો તાગ મેળવીને રેડ કરી ચાર ભઠ્ઠીઓ નાશ કર્યો હતો. જેમાં તે 23 લીટર દેશીદારૂ, 2100 લીટર ઠંડો વોસ, 300 લિટર ગરમ વોશ મળી કુલ રૂ. 5260 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દેશી દારૂની ભઠ્ઠીઓનો વેપલો કરતાં ગોપાલ મધુભાઈ વસાવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ નર્મદા પોલીસ દ્વારા ઉપરાછાપરી ડ્રોન કેમેરા સર્વેલન્સ ની મદદથી રેડ પાડવામાં આવતા દેશી દારૂના વેપલા સાથે સંકડાયેલા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.