કેશોદના ખમીદાણા ગામે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા ઉત્સવ ઉજવાયો.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ

કેશોદ તાલુકાના ખમીદાણા ગામે બારીયા પરિવારના આંગણે ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના સાન્નિધ્યમાં ઉત્સાહ અને આનંદભેર ઉજવાયો હતો સૌપ્રથમ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીનું સ્વાગત ખમીદાણા ગામના બધા વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશાળ શોભાયાત્રામાં ગોશાલા બેન્ડ પાર્ટી સાથે કીર્તનગાન કરી કરવામાં આવ્યું. વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ સુંદર વ્રજભૂમિનો પહેરવેશ ધારણ કરી આપશ્રીના ચરણોમાં પુષ્પો અર્પણ કરી સભા મંડપમાં આપશ્રીનું સ્વાગત કર્યું. આપશ્રીને પુષ્પો અને પર્ણોથી શણગારેલા ઝૂલામાં બિરાજવા માટે વિશેષ સ્થાન આપવામાં આવ્યું. પુષ્ટિસંસ્કાર પાઠશાલાના નાના-નાના બાળકોના મંગલાચરણ સમૂહ ગાન દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ પુષ્ટિસંસ્કારધામ નિર્માણ કાર્યની સુંદર ઝાંખી વિડીયો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી જે નિહાળી બધા આનંદિત થયા હતા. આપશ્રીએ વચનામૃત દ્વારા નાના-નાના બાળકોએ ધારણ કરેલા વ્રજભૂમિ પહેરવેશની પ્રશંસા કરી હતી અને સર્વ કોઈને આપણી સંસ્કૃતિ, વેશભૂષા, ભાષા અને સિદ્ધાંતો સાથે જોડાઈને રેહવા પ્રેરણા આપી હતી. આપશ્રીએ પ્રભુની નિરોધ લીલા, મહાપ્રભુજીના સુબોધિનીજી, શ્રીમદભગવદગીતા અને શ્રીગિરિરાજધાર્યાષ્ટકમમાં વર્ણન થયેલા પ્રભુ સાથે ભક્તના પરસ્પર સંબંધ અને ભાવ વિશે બધાને વિસ્તૃત સમજણ આપી હતી.આપશ્રીએ વર્તમાન સમયમાં પુષ્ટિસંસ્કારધામનું મહત્વ અને અનિવાર્યતા જણાવી હતી. બાળકો અને યુવાનોને ધર્મનિષ્ઠ થવા, વ્યસન મુક્ત થવા અને વૈષ્ણવ સમાજને સંગઠિત થવા પ્રેરણા આપી હતી. બધાને પાઠશાલા, ગોશાલા અને સત્સંગ જેવી પ્રવૃતિઓ સાથે જોડાવા આગ્રહ કર્યો હતો. પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા સાથે દરેક વ્યક્તિને જોડાવા અને સહયોગી બનવા આપશ્રીએ આવાહન કર્યું હતું. ત્યારબાદ પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગીઓનું અભિવાદન આપશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *