લીંબુમાં પરપ્રાંતની આવકો વધી, ભાવ ઘટીને 225 થયા

Latest Rajkot

અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત લીંબુના પ્રતિ એક કિલોના ભાવ રૂ.400ના ઊંચી સપાટી સુધી અથડાઇ જતા દેકારો મચી ગયો હતો, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્ર અને મદ્રાસ તરફથી લીંબુની આવકો વધવા લાગતો જથ્થાબંધ માર્કેટમાં લીંબુના ભાવ ગગડવા લાગ્યા છે. રાજકોટ યાર્ડમાં વધતી આવકો વચ્ચે છૂટક માર્કેટમાં પ્રતિ એક કિલો લીંબુ ક્વોલિટી મુજબ રૂ.100-225ના ભાવે વેચાયા હતા. હાલ એકંદરે તમામ શાકભાજીના ભાવમાં 30-40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર, મદ્રાસ, ભાવનગર અને હ‌ળવદ તરફથી આવતા લીંબુના જથ્થાની આવકો વધતા જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજકોટ યાર્ડમાં પ્રતિ મણ લીંબુમાં રૂ.2800-4100ના ભાવે કામકાજ થયા હતા. છૂટક માર્કેટના સૂત્રો કહે છે કે, દસ દિવસ પહેલા લીંબુના પ્રતિ કિલોના ભાવ રૂ.400ની ઊંચી સપાટીએ અથડાઇ ગયા હતા, આજે ક્વોલિટી મુજબ પ્રતિ એક કિલો લીંબુનું રૂ.100-225ના ભાવે વેચાણ થયું હતું. લીંબુના ઉંચા ભાવનો લાભ લેવા માટે કેટલા ફાર્મવાળાઓએ કાચા હોય તેવા લીંબુનો જથ્થો પણ બજારમાં ઠાલવી દીધો હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે. આવા લીંબુમાં રસ ખૂબ જ ઓછો હોય છે, તેવા લીંબુ પ્રતિ કિલો રૂ.100થી પણ નીચા ભાવે વેચાઇ રહ્યા છે. 40 એકર, 120 વીઘામાં લીંબુનું ફાર્મ ધરાવતા ખેડૂતે જણાવ્યું હતું કે, લીંબુની આવક વધવા લાગી છે એટલે ભાવ ઘટી રહ્યા છે. અગાઉ ત્રણ વર્ષ પહેલા પ્રતિ કિલો માત્ર રૂ.5માં વેચાતા લીંબુ આ વર્ષે ઉંચામાં રૂ.400ના ભાવે વેચાયા હોય તેવું ઇતિહાસમાં પ્રથમ વખત જ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *