ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 24 માર્ચે લેવાયેલી સ્કૂલ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં વ્યાપક છબરડાં અને અનેક પ્રશ્નોના જવાબ ખોટાં હોવાનું બહાર આવતાં ફરી એકવાર પરીક્ષામાં રાજ્યવ્યાપી કૌભાંડ થયું હોવાની શંકા છે. આ મામલે પરીક્ષા આપવા ગયેલા અનેક શિક્ષકોમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ગુણોત્સવ, પરીક્ષાઓ તથા સ્કૂલ વિઝિટ દરમિયાન ઈન્સ્પેક્શન કરવાની કામગીરી સ્કૂલ ઈન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતી હોય છે. શિક્ષણમાં સ્કૂલ ઈન્સ્પેક્ટરનો હોદ્દો મહત્ત્વપૂર્ણ હોય છે અને હાલ સમગ્ર રાજ્યમાં સ્કૂલ ઈન્સ્પેક્ટરની ખાલી જગ્યા ભરવા રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 24મી માર્ચને ગુરુવારે આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના વિવિધ સેન્ટરો પરથી પરીક્ષા લેવાઇ હતી. બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરમાંથી દસ હજારથી વધુ શિક્ષકોએ પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરીક્ષામાં પેપર સ્ટાઈલથી લઈ, તેની આન્સરશીટ તુરંત જ સોશિયલ મીડિયામાં ફરતી થવા ઉપરાંત, સમગ્ર રાજ્યમાં એ, બી, સી, ડીના બદલે એક સરખા જ પેપર આવતા આજુબાજુમાં બેસેલા ઉમેદવારોમાં તેજસ્વી ઉમેદવારોને નુકસાન થયું હતું. કારણકે, તેમનું પેપર જોઇ બાજુનો ઉમેદવાર કોપી કરી શકતો હતો. નિયમ મુજબ આવી પરીક્ષામાં ક્રમ બદલીને એ, બી, સી, ડી જેવા ચાર પેપર બનાવાય છે. જેના કારણે કોઇ એકબીજાની કોપી ન કરી શકે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત વહેતી થઇ ગયેલી સત્તાવાર આન્સરશીટમાં અનેક પ્રશ્નોના જવાબ ખોટા હોવાનું પણ બહાર આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી આન્સરશીટમાં જ ખોટાં જવાબ આપ્યા હોવાનું બહાર આવતાં શિક્ષણ આલમમાં જ રોષ ફેલાયો છે. ખોટાં જવાબોમાં ખાસ તો અર્જુનના ધનુષનું નામ ગાંડીવ હતું તેની જગ્યાએ શારંગ બતાવ્યું છે. આ સિવાય, સાંજના જમણને વાળું કહેવાય તેને બદલે બુફેનો જવાબ આન્સરશીટમાં ખરો બતાવ્યો છે. મહારાણા પ્રતાપ વિશે પૂછવામાં આવેલી ચારેય વિગતો સાચી હોવાનું પણ કેટલાંક શિક્ષણવિદૃોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગંભીરતા પણ જોવા મળી નથી. કારણ કે, કેટલાંક સેન્ટર પર તો એક જ બેન્ચ પર બે ઉમેદવારોએ સાથે બેસીને પરીક્ષા આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં માત્ર એક જ સ્ટાઈલનું પ્રશ્નપત્ર પૂછાયું હતું. આમ, બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગંભીર ક્ષતિઓ જોવા મળતા વિદ્યાર્થીઓની આકરી પરીક્ષા લેનારા શિક્ષકોમાં જ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જાહેરક્ષેત્રની પરીક્ષાઓ રજાના દિવસ અને તે પણ મોટાભાગે રવિવારે જ યોજાતી હોય છે. પરંતુ આ પરીક્ષા ચાલુ દિવસે લેવામાં આવી હતી. હાલમાં મોટાભાગની સરકારી શાળાનો સમય બપોરનો છે. ત્યારે મોટાભાગના શિક્ષકો ચાલુ શાળાએ રજા મૂકીને પરીક્ષા આપવા ગયા હતા. તેનાથી અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડ્યો હોવાનો જાણવા મળ્યું છે.
Home > Madhya Gujarat > Anand > આણંદમાં SIની પરીક્ષામાં અર્જુનના ધનુષનું નામ ‘ગાંડીવ’ના બદલે ‘શારંગ’, સાંજના જમણને ‘વાળુ’ના બદલે ‘બુફે’ સાચું દર્શાવાયું.